અજગર વાંદરાનું આખું બચ્ચું ગળી ગયો અને પછી સલવાયો
વડોદરા: વડોદરામાં અજીબોગરીબ કહી શકાય તેવી ઘટના બની હતી. વડોદરામાં એક અજગર આખું વાંદરાનું બચ્ચું ગળી ગયો અને પછી સલવાયો હતો. વનવિભાગની નર્સરીના ઇતિહાસમાં પ્રથમ વખત આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાદમાં અજગરના પેટમાંથી વાંદરાનું બચ્ચુ બહાર કાઢવામાં આવ્યુ હતુ. પરંતુ અજગરના પેટમાંથી વાંદરાનુ બચ્ચુ કાઢવાની આખી રીત બહુ જ વિચિત્ર બની રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા પાસેના વાસણા-કોતરિયા ગામની સીમમાંથી વનવિભાગની ટીમ દ્વારા એક અજગરનું રેસ્ક્યૂ કરાયુ હતું. આ અજગર બે દિવસ પહેલા એક વાંદરાનુ બચ્ચુ ગળી ગયો હતો.
ત્યારે આ બચ્ચુ તેના પેટમાં ન પચતા ત્યા જ અટકી ગયુ હતું. જેથી અજગરને વડોદરાના વન વિભાગની નર્સરીમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ભારે પ્રયાસો બાદ અજગરનું પેટ થપથપાવતા બે મહિનાનું વાંદરાનું બચ્ચું બહાર આવ્યું હતું. અજગરે વાંદરાના બચ્ચાનો શિકાર બે દિવસ પહેલાં કર્યો હોવાનો અંદાજ છે. આમ વન વિભાગ દ્વારા અજગરનો જીવ બચાવી લેવાયો હતો. વન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર, ચોમાસામાં માણસોની જેમ પ્રાણીઓની પાચન ક્રિયા પણ ધીમી બનતી હોય છે. આવામાં અજગરને ખોરાક પચાવવામાં પંદર દિવસનો સમય લાગતો હોય છે. સામાન્ય રીતે ચોમાસાની મોસમાં ખોરાક જલ્દી ન પચવાના કારણે અનેક અજગર મૃત્યુને ભેટે છે.