અજગર ૨૪ ઈંડા સેવી શકે માટે પુલનું કાર્ય ૫૪ દિવસ સ્થગિત
તિરૂવનંતપુરમ, કેરળ ખાતેથી એક ખૂબ જ હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે જેમાં અજગર પોતાના ૨૪ ઈંડાને સેવી શકે તે માટે થઈને એક પુલનું નિર્માણ કાર્ય ૫૪ દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. યૂરાલુંગલ લેબર કોન્ટ્રાક્ટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ (યુએલસીસીએસ) કેરળ દ્વારા કાસરગોડ ખાતે ફોર-લેન હાઈવેનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
વન વિભાગ, કંપની અને એક સમર્પિત સાપ બચાવ કાર્યકરે અજગરના બચ્ચાઓને આ ધરતી પર લાવવા માટે ખૂબજ પ્રશંસનીય કામગીરી કરી હતી. આ બચાવ કામગીરીમાં સરાહનીય ફાળો આપનારા અમીન અદકથબૈલે તમામ ૨૪ બચ્ચાઓ ઈંડામાંથી બહાર આવી ગયા છે અને તેમને જંગલમાં છોડી દેવામાં આવ્યા છે તેવી માહિતી આપી હતી.
ગત ૨૦ માર્ચના રોજ સીપીસીઆરઆઈ પાસે એરિયાલમાં એનએચ ૬૬ને પહોળો કરવા માટે એક પુલનું નિર્માણ કરનારા શ્રમિકોએ ભારતીય રોક અજગરને એક બખોલની અંદર ફરતો જાેયો હતો. ત્યાર બાદ તેમણે વન વિભાગને આ અંગે જાણ કરી હતી.
માર્ગ લેવલથી ૪ ફૂટ નીચે આવેલી તે બખોલ શાહુડીએ બનાવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જાે અર્થમૂવરે પુલ માટે માટીનું ખોદકામ ન કર્યું હોત તો બખોલ વિશે જાણ જ ન થાત. ત્યાર બાદ વન વિભાગે અમીન અદકથબૈલનો સંપર્ક સાધ્યો હતો.
અમીન છેલ્લા ૧૦ વર્ષથી સાપ સહિતના સરીસૃપ જીવોને બચાવવાની કામગીરી કરે છે અને ગુજરાન ચલાવવા માટે એલ્યુમિનિયમ પ્લાન્ટ ચલાવે છે. આ ઉપરાંત વન વિભાગે યુએલસીસીએસને પુલનું નિર્માણ કાર્ય સ્થગિત કરવા વિચારણા કરવા પણ કહ્યું હતું.
વન અધિકારીએ જણાવ્યું કે, આ પ્રકારના નિર્માણ કાર્ય સમયબદ્ધ પરિયોજનામાં હોય છે પરંતુ કંપનીએ તેની તૈયારી દર્શાવી હતી. જાેકે તે માટે એનએચએઆઈ પાસે જઈને કામગીરી રોકવા મંજૂરી મેળવવી વગેરે ખૂબ જ મુશ્કેલીભર્યું હોય છે. અજગરોને વન્યજીવ સંરક્ષણ અધિનિયમની અનુસૂચી અંતર્ગત વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને તેને ભારતમાં વાઘ સમાન ઉચ્ચ સ્તરીય કાયદાકીય સંરક્ષણ મળેલું છે.
અમીને આ માટે વાઈલ્ડલાઈફ ટ્રસ્ટમાં એક પશુ ચિકિત્સકનો સંપર્ક સાધ્યો હતો જેમણે ઈંડાની ટ્રાન્સફર ન કરવા માટે સલાહ આપી હતી કારણ કે, ઈંડામાંથી બચ્ચાંને બહાર લાવવા માતાની ગરમી એટલે કે, માતા દ્વારા ઈંડાનું સેવન જરૂરી હોય છે. આ સમય દરમિયાન અમીને દિવસમાં ૧-૨ વખત ઈંડાની અને અજગરની દેખરેખ રાખવાનું રૂટિન બનાવી લીધું હતું.SSS*