અજમેરમાં કાર અને ડમ્પર વચ્ચે ટક્કર થતા ૫ લોકોના મોત

અજમેર, રાજસ્થાનનાં અજમેર જિલ્લાનાં રૂપનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે સવારે ૩ વાગ્યે એક દુખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો. જયપુરથી આવતી કારને કાંકરાઓથી ભરેલા ડમ્પરે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચેય લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. આ સાથે જ પોલીસે ડમ્પરને કબજે કરી કાર્યવાહી શરૂ કરી છે.
માહિતી મળતાની સાથે જ પોલીસ અને પ્રશાસનનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર તમામ મૃતકો નાગૌર અને ચુરુ જિલ્લાનાં રહેવાસી હતા. મૃતકોની ઓળખ સંદિપ પૂનીયા, શૌકીન, સુરેન્દ્રસિંહ, સંજય શર્મા અને રામચંદ્ર તરીકે થઈ છે. મૃતકોમાં કાર ડ્રાઈવર પણ શામેલ છે.આ ઘટનાથી શોક વ્યાપી ગયો છે.
રૂપનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારનાં રુંડદા ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે તમામ મૃતકોનાં મૃતદેહને રૂપનગઢનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રાખ્યા છે અને ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે. તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. આ ભયાનક અકસ્માતે ફરી એકવાર ગેરકાયદેસર કાંકરાઓ પરિવહનનાં કાળા ધંધાનો પર્દાફાશ કર્યો છે.