અજય પ્રથમ વખત યશરાજ ફિલ્મ્સ સાથે કામ કરશે
મુંબઈ: બોલીવૂડ અભિનેતા અજય દેવગન ફિલ્મમાં આવ્યાને ૨૯ વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે. પોતાની કારકિર્દીમાં અજયે એકથી વધીને એક શાનદાર ફિલ્મો કરી છે. વર્ષની શરૂઆત એટલે કે ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ અજય દેવગનની ‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તે તાન્હાજી માલુસરેના રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. અજયની ચારેબાજુ ઘણી પ્રશંસા થઈ હતી. હવે જલ્દી અજય ‘ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં જાેવા મળશે. રિપોર્ટ પ્રમાણે અજય દેવગન પોતાની ૨૯ વર્ષની કારકિર્દીમાં પ્રથમ વખત યશરાજ ફિલ્મ્સ સાથે કામ કરી શકે છે.
રિપોર્ટ પ્રમાણે અજય દેવગન એક ફિલ્મના સિલસિલામાં આદિત્ય ચોપરા સાથે વાતચીત કરી રહ્યો છે. આ એક મેગા બજેટ ફિલ્મ હશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આદિત્ય ચોપરાએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ માટે અજય દેવગનને સાઇન કર્યો છે. યશરાજ ફિલ્મ્સ જલ્દી પોતાના ૫૦ વર્ષ પુરા કરવા જઈ રહ્યું છે. આવામાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે યશરાજ ફિલ્મ્સના ૫૦ વર્ષ પુરા થવાની ખુશીમાં થનાર સેલિબ્રેશન દરમિયાન આ ફિલ્મની જાહેરાત કરી શકે છે. ફિલ્મનું નિર્દેશન બોલીવૂડ નિર્દેશક રાહુલ રવૈલનો પુત્ર શિવ રવૈલ કરશે. નિર્દેશક તરીકે શિવની આ પ્રથમ ફિલ્મ હશે. જોકે ફિલ્મને લઈને હજુ સુધી કોઈ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી