અજય સિંહ ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સરની પહેલી સિઝનનો વિનર બન્યો
મુંબઈ: પોપ્યુલર ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સરની પહેલી સીઝનને તેનો વિનર ટાઈગર પોપ મળી ગયો છે. ટાઈગર પોપનું સાચું નામ અજય સિંહ છે, જે મૂળ ગુરુગ્રામનો વતની છે અને તે પોતાના પોપિંગ માટે જાણીતો છે. રવિવારે રાત્રે શોનું ગ્રાન્ડ ફિનાલે યોજાયું હતું, જ્યાં ૫ દાવેદારમાંથી ટાઈગરે પોપે આ ટાઈટલ પોતાના નામે કર્યું હતું. ભારતની જનતાએ પોતાના ફેવરિટ ફાઈનાલિસ્ટ માટે દિલ ખોલીને વોટ કર્યા હતા. શોની પહેલી જ સીઝનના ફિનાલેમાં કુલ મળીને ૩ કરોડ ૨૮ લાખ રેકોર્ડબ્રેક વોટ મળ્યા હતા.
ટાઈગર પોપને ટ્રોફી, ૧૫ લાખનો ચેક તેમજ મોંઘીદાટ કાર આપવામાં આવી હતી. ટાઈગરની કોરિયોગ્રાફર વર્તિકા ઝાને ૫ લાખ રૂપિયાનો ચેક પ્રાઈઝમાં આપવામાં આવ્યો હતો. કોમ્પિટિશન પાંચ કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે હતી-ટાઈગર પોપ, મુકુલ ગૈન, શ્વેતા વોરિયર, પરમદીપ સિંહ અને શુભ્રનીલ પૌલ. આ પાંચેય પોતાના ડાન્સ ફોર્મમાં ધૂરંધર હતા. પરંતુ દર્શકોએ ટાઈગર પોપને વિનર તરીકે પસંદ કર્યો હતો. મુકુલ ગૈન બીજા અને શ્વેતા વોરિયર ત્રીજા ક્રમે રહી હતી. રિયાલિટી શોનું ગ્રાન્ડ ફિનાલે ભારે ઝાકમઝોળ સાથે યોજવામાં આવ્યું હતું.
ગ્રાન્ડ ફિનાલેમાં ધર્મેશ યેલાંડે, પૂજા સિંહ, રાઘવ ઝુયાલ, સુશાંત સિંહ, પ્રિયા આનંદ અને અમિત સિયાલ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય સીરિયલ ‘સ્ટોરી ૯ મંથ્સ કી’ની કાસ્ટ પણ મહેમાન બનીને આવી હતી. મલાઈકા અરોરા અને ટેરેંસ લુઈસે સ્ટેજ પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. તો બીજી તરફ કૃષ્ણા અભિષેક સપના બનીને આવ્યો હતો અને બધાને ખૂબ જ હસાવ્યા હતા. જીતની ખુશી વ્યક્ત કરતાં ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સરના વિનર ટાઈગર પોપે કહ્યું હતું કે, ‘ટ્રોફી જીતીને ખૂબ જ ખુશી થઈ રહી છે.
મને વિશ્વાસ નથી આવી રહ્યો કે મારા બાળપણનું સપનું આ સ્ટેજ પર પૂરુ થયું છે. પહેલા ઓડિશનથી લઈને મારા પહેલા બેટલ સુધી, કોરિયોગ્રાફર વર્તિકા ઝા સાથે ડાન્સ કરવાથી લઈને દરેક અઠવાડિયે કંઈકનું કંઈક નવું શીખવા સુધીની ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સરમાં મારી જર્ની સુંદર રહી. આ સ્ટેજ પર ઉભા રહીને મને સમજાયું છે કે માત્ર ઓડિશનથી કામ ચાલે નહીં. આ કમાવવા માટે તમારે કપરી મહેનત કરવી પડે છે. હું ત્રણેય જજનો આભાર માનું છું, જેમણે અમને બધાને પ્રેરણા આપી. લોકો તરફથી જે પ્રેમ મને મળ્યો છે તેના માટે હું તેમનો આભારી છું’.