Western Times News

Gujarati News

અજાણી વ્યક્તિને સરનામું બતાવવું ભારે પડ્‌યું : ગઠીયો એક લાખ પડાવી ગયા

અમદાવાદ: ધરમ કરતા ધાડ પડી કહેવત જેવો એક બનાવ અમદાવાદમાં બન્યો છે. જ્યાં સરનામું બતાવવા જતા એક વ્યક્તિએ એક લાખ રૂપિયા ગુમાવવા પડ્‌યા છે. આ મામલે માધુપુરા પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. શહેરના માધુપુરા વિસ્તારમાં વાહન પર આવેલા શખ્સોએ પોલીસ કમિશનર કચેરી ક્યાં આવી છે? એવો સવાલ પૂછ્યા બાદ પીડિતના વાહનની ડેકીમાંથી એક લાખ તફડાવી લીધા હતા.

સરનામાના સવાલ બાદ વાહન પાર્ક કરનાર વ્યક્તિ શેરીમાંથી બહાર આવી સરનામું પૂછનાર વ્યક્તિને સરનામું બતાવવા ગયો હતો. આ સમયમાં અન્ય વાહન પર એક એક શખ્સ આવ્યો હતો અને તેના વાહનની ડેકીમાં મૂકેલા એક લાખ લઇને ફરાર થઇ ગયો હતો.


નારણપુરામાં રહેતા રોહિતભાઇ એક દુકાનમાં નોકરી કરે છે. તેમના શેઠના કહેવા પ્રમાણે તેઓ સીજી રોડ પરની માધવલાલ અમરતલાલ આંગડિયા પેઢીમાં ગયા હતા. ત્યાંથી તેઓ એક લાખ રોકડા લઇને વાહન લઇને માધુપુરા ખાતેની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેઓ તેમનું વાહન પાર્ક કરતા હતા તેવામાં એક વાહન ચાલક આવ્યો હતો. વાહન ચાલકે પોલીસ કમિશનર કચેરી જવા માટેનો રસ્તો પૂછતા જ રોહિતભાઇ મુખ્ય રોડ પર ચાલતા આવીને તેને રસ્તો બતાવતા હતા.

આ સમયે જ ગલીમાં મૂકેલા વાહન પાસે એક બાઇક ચાલક આવ્યો હતો અને ડેકીનું લોક ખોલીને એક લાખ લઇને ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં રોહિતભાઇએ તેમના શેઠને જાણ કરી હતી. બાદમાં માધુપુરા પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા તજવિજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.