Western Times News

Gujarati News

અજાણ્યા ફોન નંબરો પરથી મહિલા પાસે અશ્લીલ માગ

સુરત, ૩૫ વર્ષીય મહિલાને અજાણ્યા નંબરો પરથી ફોન આવતાં હેરાન-પરેશાન થઈ ગઈ અને ઝટકો તો ત્યારે લાગ્યો જ્યારે ફોન કરનારા શખ્સોએ તેની પાસે શરીર સુખની માગણી કરી. ટૂંક સમયમાં તેના મિત્રોએ એવી જાણકારી આપી જે ચોંકાવનારી હતી. મિત્રોએ જણાવ્યું કે, તેના નામે કોઈએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું છે અને જેમાં તેને સેક્સ વર્કર તરીકે દર્શાવી છે, સાથે જ ફોન નંબર પણ શેર કર્યો છે. આ ઘટનાની જાણ થયા બાદ વ્યથિત થયેલી મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

આઈટી સર્વેલન્સની મદદથી પોલીસે આરોપીને ટ્રેક કર્યો ત્યારે માત્ર પીડિતા જ નહીં તેના પાડોશી પણ સ્તબ્ધ થઈ ગયા. મહિલા સાથે આ હરકત કરનાર શખ્સ બીજું કોઈ નહીં પણ પાડોશમાં રહેતા આઈટીઆઈનો ૧૭ વર્ષીય વિદ્યાર્થી હતો. આ છોકરાએ મહિલા પાસે બદલો લેવા માટે તેનું નકલી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું હતું. પાલનપુર પાટિયાનો રહેવાસી છોકરો સગીર વયનો હોવાથી પોલીસે તેને ચેતવણી આપીને છોડી મૂક્યો છે. છોકરાને છોડતા પહેલા તેના માતાપિતાની હાજરીમાં જ પોલીસે તેને ચેતવણી આપતાં આ પ્રકારના ગુના આચરનારની શી વલે થાય છે તે કડક શબ્દોમાં સમજાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ભૂતકાળમાં આ છોકરો મહિલાને સોશિયલ મીડિયા દ્વારા પરેશાન કરી ચૂક્યો છે.

જેનાથી કંટાળેલી મહિલાએ છોકરાની માતાને તેના વર્તન વિશે ફરિયાદ કરી હતી. જે બાદ છોકરાને તેની માતાએ ઠપકો અને મેથીપાક આપ્યો હતો. આ વાતનો બદલો લેવા માટે છોકરાએ મહિલાના ઓરિજિનલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અભદ્ર મેસેજ કરવા માંડ્યા. જેથી મહિલાએ તેને બ્લોક કરી દીધો. ત્યારબાદ છોકરાએ મહિલાના મિત્રોને મેસેજ કરીને પરેશાન કરતાં તેમણે પણ તેને બ્લોક કરી દીધો. છોકરો આટલેથી ના અટક્યો તેણે પજવણી ચાલુ રાખવા મહિલાના નામે ફેક અકાઉન્ટ બનાવ્યું. તેણે આ નકલી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પીડિતાના મિત્રોની તસવીરો પોસ્ટ કરી હતી, તેમ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ જણાવ્યું. અહીં નોંધનીય છે કે, છોકરાના પિતા એન્જિનિયર છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.