અજીત પવારને ઉચિત સ્થાન મળશે, તેમણે બહુ મોટું કામ કર્યું છે: સંજય રાઉત
મુંબઇ, મહારાષ્ટ્રમાં સરકાર બદલાઈ ગઈ છે અને હવે રાજ્યમાં ઠાકરે રાજની સરકાર શરૂ થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. આ દરમિયાન સંજય રાઉતે ફરી એક વખત ભાજપ પર આકરા પ્રહાર કર્યા તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રથી દેશમાં પરિવર્તનની શરૂઆત થઈ છે. આજે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા છે અને તેનો અર્થ છે કે, દેશમાં પરિવર્તનની શરૂઆત થઈ ગઈ છે. સંજય રાઉતે કહ્યું છે કે, અજીત પવારને ગઠબંધનમાં યોગ્ય સ્થાન મળશે. તેઓ ખૂબ મોટુ કામ કરીને આવ્યા છે.
સંજય રાઉતે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર ગઠનની વાત કરી હતી. સંજય રાઉતે કહ્યું બીજેપી તરફથી અઘોરી પ્રયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ મહારાષ્ટ્રની જનતાએ બધુ ધ્વસ્ત કરી દીધું. સંજય રાઉતે નિવેદન આપ્યું છે કે, હવે આ પ્રકારના પ્રયોગો નહીં ચાલે અને મહારાષ્ટ્રની અસર અન્ય રાજ્યો ઉપર પણ જોવા મળી છે. સંજય રાઉતે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાનું મિશન પુરૂ થઈ ગયું છે અને અમારુ સૂર્યયાન મંત્રાલય પર લેન્ડ થઈ ગયું છે. જ્યારે મેં આ વિશે કહ્યું ત્યારે લોકો મારા પર હસતા હતા પરંતુ હવે આવનાર સમયમાં દિલ્હીમાં પણ અમારુ સૂર્યયાન ઉતરે તો નવાઈ નહીં.
છેલ્લા પાંચ વર્ષથી શિવસેના એનડીએનો હિસ્સો હોવા છતા ભાજપ પર પ્રહાર કરતી હતી. તે પછી રાજ્ય સરકારને ટાર્ગેટ કરવાનું હોય કે કેન્દ્ર સરકારને. લોકસભા ચૂંટણીમાં મહાજીત મેળવ્યા પછી જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થઈ ત્યારે બીજેપીને આશા હતી કે સરકાર બનશે. પરંતુ ચૂંટણી પરિણામ પછી અમુક એવી સ્થિતિ ઉભી થઈ કે શિવસેના મુખ્યમંત્રી પદ પર અડગ રહી અને અંતે એનસીપી-કોંગ્રેસ-શિવસેનાએ ગઠબંધન કર્યું.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે. મુંબઈમાં શિવાજી પાર્કમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન મંત્રીયો સાથે ઉદ્ધવ શપથ લેશે. આવું પહેલીવાર થઈ રહ્યું છે કે, ઠાકરે પરિવારનો કોઈ સભ્ય પહેલીવાર મુખ્યમંત્રી પદ પર આવી રહ્યા છે. માનવામાં આવે છે કે, ઉદ્ધવ ઠાકરે સાથે અમુક અન્ય નેતા પણ ગુરુવારે શપથ લે તેવી શક્યતા છે. જોકે ડેપ્યુટી સીએમ કોણ હશે તે વિશે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી,