Western Times News

Gujarati News

અટલ ટનલને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્‌સમાં સ્થાન મળ્યું

શિમલા, અત્યાધુનિક ટેક્નોલોજી વડે તૈયાર કરવામાં આવેલી ભારતની સૌથી મહત્વપૂર્ણ રણનૈતિક રીતે મહત્વની એવી અટલ ટનલ રોહતાંગનું નામ વર્લ્‌ડ બુક ઓફ રેકોર્ડ્‌સમાં નોંધવામાં આવ્યું છે. સમુદ્રની સપાટીથી ૧૦,૦૪૪ ફૂટની ઉંચાઈએ આવેલી અટલ ટનલને વર્લ્‌ડ બુક ઓફ રેકોર્ડ્‌સે સત્તાવાર રીતે વિશ્વની સૌથી લાંબી પરિવહન ટનલ તરીકે આ બહુમાન આપ્યું છે.

આ ટનલની લંબાઈ ૯.૦૨ કિમી છે. સીમા સડક સંગઠન (બીઆરઓ)ના ડિરેક્ટર જનરલ લેફ્ટિનેન્ટ જનરલ રાજીવ ચૌધરીએ આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. બીઆરઓ દ્વારા આશરે ૧૦ વર્ષના સમયગાળામાં હિમાલયની પીરપંજાલની ચોટીઓને ભેદીને આ ટનલ બનાવવામાં આવી છે. ભારતીય અને ઓસ્ટ્રિયા કંપની સ્ટ્રોબેગ અને એફકોન એ પણ ટનલ નિર્માણમાં સહયોગ આપ્યો હતો.

તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ વર્ષ ૨૦૦૨માં જનજાતીય જિલ્લા લાહૌલ-સ્પીતિના મુખ્યાલય કેલાંગ ખાતે ટનલ નિર્માણની ઘોષણા કરી હતી. તે વખતે ટનલનો ખર્ચો આશરે ૧,૫૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવ્યો હતો. પરંતુ ટનલના નિર્માણમાં ૩,૬૦૦ કરોડ રૂપિયા ખર્ચ થયા છે.

અટલ ટનલ બન્યા બાદ મનાલીથી ચીનની સરહદને અડીને આવેલા લેહનું અંતર આશરે ૪૫ કિમી ઘટી ગયું. સાથે જ આ રૂટની મુસાફરી ઓછામાં ઓછી ૫ કલાક ઘટી ગઈ છે. આ સાથે જ શિયાળા દરમિયાન હિમવર્ષાના કારણે બંધ થઈ જતું જનજાતીય ક્ષેત્ર લાહૌલ ૧૨ મહિના દેશ સાથે જાેડાઈ ગયું છે.

વડાપ્રધાન મોદીએ ૩ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ અટલ ટનલ રોહતાંગનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ત્યાર બાદ અટલ ટનલ દેશભરના પર્યટકોની પહેલી પસંદ બની ગઈ છે.

આ વિશ્વની પ્રથમ ટનલ છે જેમાં ૪જી કનેક્ટિવિટી ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ટનલમાં દર ૫૦૦ મીટરના અંતરે ઈમરજન્સી સુરંગ છે જે ટનલના બંને છેડે નીકળે છે. દર ૧૫૦ મીટરે ઈમરજન્સી ૪જી ફોનની સુવિધા છે. દર ૬૦ મીટરે સીસીટીવી છે. અટલ ટનલ રોહતાંગના બંને છેડે સમગ્ર ટનલનો કંટ્રોલ રૂમ છે અને ત્યાંથી સૌ કોઈના પર નજર રાખી શકાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.