અઠવાડિયામાં જ કોરોનાના કેસમાં 95%નો વધારો, દિલ્હી-યુપી-હરિયાણામાં સૌથી વધુ કેસ

નવી દિલ્હી, દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો ડરાવવા લાગ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં દેશમાં કોરોનાના કેસમાં 95%નો વધારો થયો છે. દિલ્હી-એનસીઆરમાં સૌથી વધુ કોરોના દર્દીઓ જોવા મળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં મળી આવેલા કુલ કોરોના કેસમાંથી બે તૃતીયાંશ કેસ દિલ્હી, હરિયાણા અને યુપીમાંથી જ આવ્યા છે.
આ સાથે દેશનાં 12 રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. નિષ્ણાતો પણ કોરોનાના ચોથા લહેરની શક્યતાને નકારી રહ્યા નથી.
દેશનાં 12 રાજ્યોમાં છેલ્લાં 3 અઠવાડિયાથી કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. એ જ સમયે દેશમાં ગત સપ્તાહની તુલનામાં લગભગ બમણા કેસ નોંધાયા છે, એટલે કે 95% વધુ.
18-24 એપ્રિલની વચ્ચે દેશમાં 15,700 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. ગયા અઠવાડિયે માત્ર કોરોનાના 8050 કેસ આવ્યા હતા. જો જોવામાં આવે તો દેશમાં સતત 11 અઠવાડિયા સુધી કેસમાં ઘટાડો થયા બાદ આ બીજું અઠવાડિયું છે જ્યારે કોરોનાના કેસમાં વધારો થયો છે.
દેશમાં કોરોનાના સક્રિય કેસ ગત રવિવારે લગભગ 11,500 થી વધીને 16,300થી વધુ થઈ ગયા છે. રાહતની વાત એ છે કે કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ મૃત્યુઆંક વધારે નથી વધ્યો. કેરળમાં થયેલા મૃત્યુને બાદ કરીએ તો દેશમાં આ અઠવાડિયે કોરોનાના કારણે માત્ર 27 જ મોત થયાં છે, જે ગત સપ્તાહની જેમ જ છે.
આ અઠવાડિયે દિલ્હી, હરિયાણા અને યુપીમાં સૌથી વધુ કોરોના દર્દીઓ જોવા મળ્યા છે. આમાંનો મોટો હિસ્સો NCRનો છે. આ ત્રણ રાજ્ય એવાં છે જ્યાં ગયા અઠવાડિયે પણ કોરોનાના કેસ વધ્યા હતા. આ અઠવાડિયે 9 અન્ય રાજ્યો કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, બંગાળ, રાજસ્થાન અને પંજાબમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.
દિલ્હીમાં આ અઠવાડિયે 6336 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે, જે ગયા સપ્તાહે મળેલા 2,307 દર્દી કરતાં 2.7 ગણા વધુ છે. હરિયાણામાં 2,296 અને યુપીમાં 1,278 કેસ નોંધાયા છે, જે ગયા સપ્તાહ કરતાં બે ગણા વધુ છે. આ અઠવાડિયે દેશમાં કોરોનાના કુલ કેસોમાંથી બે તૃતીયાંશ કેસ માત્ર દિલ્હી, હરિયાણા અને યુપીમાં જ જોવા મળ્યા છે.