Western Times News

Gujarati News

અઢી વર્ષ અગાઉ રેડ કરવા ગયેલ RR સેલના કોસ્ટેબલના પગ ભાંગી નાખ્યા હતા

ડોડીસરા ગામમાં પોલીસ કોન્સ્ટબલ ઉપર જીવલેણ હુમલો કરનાર બુટલેગર ઝડપાયો : નાસતાફરતા આરોપીને જિલ્લા એસઓજીની ટીમે ઝડપી લીધો

સાકરીયા: ૨૦૧૮માં ૨૫ એપ્રિલના રોજ ભિલોડાના ડોડીસરા પાસે દારૂ ભરેલી કારને અટકાવવા જતા આર.આર.સેલ ગાંધીનગરના કોસ્ટેબલ ઈમરાન નઝામીયા ખોખર ઉપર જીવલેણ હુમલો થયો હતો. બુટલેગરોના ટોળાએ તલવાર, ધારિયા, લોખંડની પાઈપો અને લાકડીઓ જેવા હથિયારો વડે હુમલો કરી કોસ્ટેબલ અને ખાનગી માણસના હાથ પગ ભાગી નાખ્યા હતા.

આ મામલે ભિલોડા પોલીસે કોસ્ટેબલની ફરિયાદને આધારે ૧૨ શખ્યો તેમજ બીજા ૧૦ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. શરૂઆતમાં પોલીસે ઠેર ઠેર છાપા મારી કેટલાક આરોપીઓને ઝડપી લીધા હતા. પરંતુ અમુક આરોપીઓ નાસતા ફરતા હોય ઝડપી લેવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.

આખરે અઢી વર્ષ બાદ પોલીસ ઉપર જીવલેણ હુમલો કરનાર આરોપી મહેશ ઉર્ફે કાળિયો કમજીભાઈ અસારી (રહે.ધંધાસરણ, તા.ભિલોડા) બાવળિયા ટોરડા ગામે આવેલ હોવાની અરવલ્લી એસઓજી અને પેરોલ ફર્લોને બાતમી મળી હતી. જેના પગલે ઝડપી લેવાયેલ આરોપી સામે અરવલ્લીમાં ચાર ગુના નોંધાયા છે

આર.આર.સેલના કોસ્ટેબલ ઉપર હુમલો કરનાર સુકાજી ઉર્ફે સુકો ભવરલાલ બાબુભાઈ ડુંડને પોલીસ છેલ્લા કેટલાય સમયથી શોધી રહી છે. ગત માસે આ કુખ્યાત બુટલેગર સામે હત્યાનો પણ ગુનો નોંધાયો છે. પોલીસ ઉપર પણ બે વખત હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. તેમ છતાંય માથાભારે બુટલેગરને પોલીસ પકડી શક્તી નથી.

રાજસ્થાન સરહદ નજીક આવેલી હોય અને સુકો ડુંડ રાજસ્થાન પરણેલો હોય ત્યાના બુટલેગરો સાથે સતત સંપર્કમાં રહે છે અને ગુજરાતમાં દારૂની હેરાફેરીની બદી ચલાવી રહ્યો છે. જો પોલીસ અટકાવે તો સુકા ડુંડની ગેંગ પોલીસ ઉપર પણ જીવેલણ હુમલા કરી નાખે છે.

એસઓજી પીઆઈ જે.પી.ભરવાડ અને પોલીસની ટીમે આ આરોપીને ઝડપી લીધો હતો. અરવલ્લીમાં પોલીસે પાળીને મોટા કરેલા બુટલેગરો વારંવાર પોલીસ ઉપર હુમલા કરે છે. છેલ્લા પાંચેક વર્ષમાં પોલીસ ઉપર અડધો ડઝન હુમલા થયા છે. દારૂની હેરાફેરી અટકાવવા જનાર પોલીસને કચડી નાખતા પણ બુટલેગરો અચકાતા નથી ત્યારે હવે પોલીસે બુટલેગરો સામે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે.

ઝડપી લેવાયેલ આરોપી સામે ભિલોડા પોલીસ મથકે ત્રણ અને શામળાજી પોલીસ સ્ટેશનમાં એક મળી કુલ ચાર ગુના નોંધાયેલા છે. આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ પોલીસ દ્વારા વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.