અતિભારે વરસાદની વચ્ચે બિહાર પાણી પાણી થયું : પટણા તળાવમાં
પટણા : બિહારમાં ભારે વરસાદ અને પુરના કારણે હાલત કફોડી બનેલી છે. બચાવ અને રાહત કામગીરી તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વરસાદ અને પુર સંબંધિત ઘટનામાં મોતનો આંકડો વધીને ૩૦ સુધી પહોંચી ગયો છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવામાં આવ્યા છે.
પાટનગર પટણા તળાવમાં ફેરવાતા જનજીવન સંપૂર્ણપણે ખોરવાયુ છે. પટણાના કેટલાક ભાગોમાં તો હજુ સાત ફુટ સુધીના પાણી ભરાઇ ગયા છે. લોકોને છતો પર રહેવાની ફરજ પડી રહી છે. કોચિગ હબ ગણાતા રાજેન્દ્ર નગરમાંથી સેંકડો વિદ્યાર્થીઓને સુરક્ષિત ખસેડી લેવામાં આવી છે. પટણા અને દરભંગામાં મંગળવાર સુધી તમામ સ્કુલ અને કોલેજ બંધ રાખવા માટેનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગના કહેવા મુજબ ૧૫ જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. કારણ બિલકુલ સ્પષ્ટ છે કે, હજુ પણ સ્થિતિ બેકાબુ બની શકે છે. પટણાના અનેક વિસ્તારોમાં આઠ ફુટ સુધીના પાણી ભરાઈ ગયા છે. ગાડીઓ ડુબી ગઈ છે. બચાવ અને રાહતકામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
ગંગા અને ગંડક નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તર પર પહોંચી ગઈ છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સ્કુલો અને કોલેજાને બંધ રાખવાની ફરજ પડી રહી છે. લોકોના કમર સુધી પાણી ભરાઈ ગયા છે. બીજી બાજુ મુશ્કેલમાં મુકાયેલા લોકોને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડવાનો પ્રયાસ કરવામાં આવી રહી છે. એક બાજુ બિહારમાં ૩૦ લોકોના મોત થઈ ચુક્યા છે.
ઉત્તર પ્રદેશમાં પણ હાલત કફોડી બનેલી છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી હોવાના કારણે સ્કુલ અને કોલેજાને બંધ રાખવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે. હંમેશા ભરચક રહેતા પટણાના માર્કેટમાં સન્નાટો ફેલાઈ ગયો છે. નાલંદા મેડિકલ કોલેજમાં પણ પાણી ભરાઈ ગયા છે જેથી દર્દીઓની સાથે સાથે અન્યોને પણ તકલીફ થઇ રહી છે.
પટણાના લોકપ્રિય ડાક બંગલા ચાર રસ્તા પર ઘુંટણ સુધીના પાણી ભરાયા છે. અનેક વૃક્ષો અને મકાનો ધરાશાયી થવાના બનાવો બન્યા છે. બિહારમાં હજુ બે ત્રણ દિવસ સુધી સ્થિતિમાં સુધારો થશે નહીં. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ભારે વરસાદના કારણે રેલ અને પરિવહનની વ્યવસ્થા ઠપ થઈ ચુકી છે. પાટનગર પટણામાં હાલત કફોડી બનેલી છે. ચારેય બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે. મકાનો, સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા છે. મંત્રીઓ અને નેતાઓના આવાસ પર પાણી ઘુસી ગયા છે.
મુખ્યમંત્રી નિતિસ કુમારે કહ્યું છે કે, આવી સ્થિતિ કોઈના પણ હાથમાં નથી.રાજ્યમાં ૧૪ જિલ્લામાં રેડ એલર્ટ છે. દરમિયાન ઉત્તર પ્રદેશમાં પણ હાલત કફોડી બનેલી છે. આ બે રાજ્યોમાં મળીને ૧૨૫થી વધુના મોત થઇ ચુક્યા છે. બંને રાજ્યોમાં સ્થિતિમાં હાલ સુધારો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. રાજેન્દ્રનગર અને પાટલીપુત્ર કોલોની જેવા વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. હોસ્પિટલો દુકાનો, બજારો જળબંબાકાર થયા છે.