અત્યાચાર: બાઇક પર મૂંછવાળું સ્ટિકર લગાવનાર યુવકને જાહેરમાં ફટકાર્યો
(એજન્સી) અમદાવાદ, વાસણામાં યુવકને બાઇક પર મૂછનું સ્ટિકર લગાવવા બાબતે તેની અદાવત રાખી માર માર્યો હોવાનું સામે આવ્યુ છે. ત્રણ સખ્સો યુવકને માર મારીને બાઇકની તોડફોડ કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટના સામે આવતા ફરી એકવાર ગુજરાતમાં કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠે તેવી આ ઘટના બની છે.
ફતેવાડીમાં આવેલ શક્તિનગરમાં રહેતા સુનીલ પરમારમે ત્રણ શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. સુનીલ વાસણા ખાતે ફોરમ કલેક્શન નામની દુકાનમાં હેલ્પર તરીકે કામ કરે છે.
આજથી બે દિવસ પહેલા સુનીલ નોકરી પર હાજર હતો. ત્યારે શ્રીજી કોમ્પ્લેક્ષમાં આવેલ નવકાર ટ્રેડર્સ નામની દુકાનમાં નોકરી કરતો અવિનાશ દરબાર સુનીલ પાસે આવ્યો હતો. અવિનાશે સુનીલને કહ્યું કે તું કેમ અમારા દરબાર સમાજની મૂછોવાળું સ્ટિકર તારા બાઇકની પાછળ લગાવીને ફરે છે. પછી તે અવિનાશને જાતિવાચક શબ્દો બોલવા લાગ્યો હતો. જેની સુનીલે અવિનાશને કહ્યું કે મારું બાઇક છે હું મારી મરજી મુજબનું સ્ટિકર લગાવુ તું મને કહેવા વાળો કોણ ? આથી અવિનાશ ઉશ્કેરાઇ જઇને જાતિવિષયક અપમાનજનક અપશબ્દો બોલીને ગાળો બોલતો હતો.
અવિનાશે કહ્યું કે જાે તું આ મુછોવાળુ સ્ટિકર તારા બાઇક ઉપરથી નહીં હટાવે તો તારું બાઇક તોડી નાખીશ. તને ટાંટિયા વગરનો કરી દઇશ. આમ કહીને તે જતો રહ્યો હતો.
ગઇકાલે સુનીલે તેની દુકાન પાસે બાઇક પાર્ક કરીને નોકરી પર ગયો હતો. તે વખતે બપોરના સમયે અવિનાશે સુનીલને બહાર બોલાવ્યો હતો. સુનીલની બાઇક પાછળ મૂછોવાળુ સ્ટિકર લગાવેલું હતુ. જેથી ગુસ્સામાં આવીને અવિનાસે બાઇક પછાડ્યું હતું. જાેતજાેતામાં અવિનાશે બાઇકમાં તોડફોડ કરી હતી. આ સમયે સુનીલે અવિનાશને બાઇકને નુકસાન કરવાની ના પાડી હતી. દરમિયાનમાં અન્ય બે યુવકો પણ ત્યાં આવી ગયા હતા. અવિનાશ અને અન્ય બે યુવકોએ ભેગા થઇને સુનીલને ફેંટો મારીને ફટકાર્યો હતો.
આ વખતે આસપાસના લોકો આવી જતા અવિનાશ અને બે યુવકો ત્યાંથી નાસી ગયા હતા. સુનીલે પોલીસ કન્ટ્રોલમાં આ બાબતે જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળ પર આવી ગઇ હતી. ત્યારબાદ સુનીલે આ બાબતે અવિનાશ દરબાર તેમજ અન્ય બે યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.