અદભૂત બનાવ: 30 મિનિટમાં જ કોરોના પોઝિટિવ દર્દી નેગેટીવ જાહેર થયા
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાસંક્રમણ ને નિયંત્રિત કરવા માટે મોટાપાયે એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહયા છે. કોરોના એન્ટીજન ટેસ્ટની વિશ્વસનીયતા અંગે અવારનવાર શંકા વ્યક્ત થઈ રહી છે.
શહેર મેયર બીજલબેન પટેલને પણ કોરોના એન્ટીજન ટેસ્ટ પર લેશમાત્ર વિશ્વાસ નથી. જેના કારણે જ તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં પહેલા તમામ કોર્પોરેટર ના આર. ટી.પીસીઆર ટેસ્ટ કરાવ્યા હતા.નારોલ વિસ્તારમાં એન્ટીજન ટેસ્ટ મામલે બનેલી એક ઘટના બાદ મેયરનો અવિશ્વાસ સાચો સાબિત થયો છે.
નારોલ વિસ્તારમાં રહેતા તપનભાઈ તથા તેમના પુત્ર કૌશિક નારોલ સર્કલ પાસે કોરોના કિયોસકમાં ટેસ્ટ કરાવવા ગયા હતા.
જ્યાં બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. કોરોના ના કોઈ લક્ષણ ન હોવા છતાં પોઝિટિવ રિપોર્ટ આવતા પિતા-પુત્ર ચોંકી ઉઠ્યા હતા. પરંતુ તેમને પણ એન્ટીજન ટેસ્ટ પર શંકા હતી.
તેથી માંડ અડધા કિલોમીટરના અંતરે આવેલા ઇસનપુરના કિયોસકમાં ફરીથી ટેસ્ટ કરાવવા ગયા હતા. જ્યાં બંનેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.આમ, માત્ર 30 મિનિટમાં જ ટેસ્ટના પરિણામ બદલાઈ જતા ટેસ્ટ કરાવનાર પિતા-પુત્ર મૂંઝવણમાં મુકાયા છે કે કયા રિપોર્ટ ને સાચો માનવો?
સામાન્ય રીતે બે અલગ અલગ ખાનગી લેબોરેટરીના પરિણામોમાં વિસંગતતા જોવા મળે છે પરંતુ સરકારી ટેસ્ટિંગ કિટના પરીણામ અલગ અલગ આવતા ચર્ચાનો મુદ્દો બન્યો છે.