અદભૂત બનાવ-૨ઃ ૭૨ કલાકમાં કોરોનાના ૪ ટેસ્ટઃ પરિણામ અલગ

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, વિશ્વના નાગરીકો કોરોનાથી જેટલા ત્રસ્ત થયા હશે તેનાથી અનેકગણા વધુ ત્રસ્ત નારોલના પિતા-પુત્ર થઈ રહ્યા છે. થોડા દિવસ અગાઉ માત્ર અડધા કલાકમાં તેમના પોઝીટીવ રીપોર્ટ નેગેટીવ જાહેર થયા હતા. ત્યારબાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા કરવામાં આવેલા આર.ટી.પી.સી.આર.અને ખાનગી લેબોરેટરીમાં થયેલ પરીક્ષણમાં પણ ફરક આવ્યો છે. તેથી કોરોનાને પોઝીટીવ માનીને હોમ ક્વોરન્ટાઈન થવાનું કે પછી નેગેટીવ માનીને રાબેતા મુજબ કામકાજ કરવા તેની મૂંઝવણમાં પરિવાર ફસાયો છે.
શહેરના નારોલ વિસ્તાર સ્થિત ઓમ શાંતિ ગોલ્ડ પેલેસમાં રહેતા તપનભાઈના પત્ની સુચિત્રાબેન કોરોના પોઝીટીવ જાહેર થયા હતા. તેથી સમગ્ર પરિવાર ૧૪ દિવસ માટે હોમ આઈસોલેટેડ થયો હતો. ત્યારબાદ તપનભાઈ તથા તેમના પુત્ર કૌશિકે નારોલ સર્કલ પાસે તૈયાર કરવામાં આવેલા કોરોના ડીઓસ્ક ખાતે પરીક્ષમ કરાવ્યા હતા. જેમાં બંનેના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. કોઈ લક્ષણ ન હોવા છતાં પોઝીટીવ રીપોર્ટ આવતા તેઓ મૂંઝાયા હતા. તથા મનની શંકા દૂર કરવા માત્ર એક કીલોમીટરના અંતરે આવેલા ઈસનપુર અર્બન હેલ્થ સેન્ટરમં ફરીથી ટેસ્ટ કરાવ્યા હતા. જ્યાં પિતા-પુત્ર બંનેના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા.
માત્ર ૩૦ મીનીટમાં જ કોરોનાના રીપોર્ટમાં ફેરબદલ થવાની વાત જાહેર થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. તથા દક્ષિણ ઝોન આરોગ્ય વિભાગની ટીમ તેમના ઘરે પહોંચી હતી જ્યાં પિતા-પુત્રના એન્ટીજન ટેસ્ટના બદલે આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાં વધુ એક વખત તેઓ પોઝીટીવ જાહેર થયા હતા.
મ્યુનિ.કોર્પાેરેશનના ત્રીજી વખતના ટેસ્ટમાં તપનભાઈ તથા તેમનો પુત્ર કોરોના પોઝીટીવ જાહેર થતાં તેમની મૂંઝવણમાં વધારો થયો હતો. તથા ચોથી વખત ટેસ્ટ કરાવવા નિર્ણય કર્યા હતાં. આ વખતે તપનભાઈએ ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા હતા. જેના પરિણામ વધુ ચોંકાવનારા આવ્યા છે. ખાનગી લેબોરેટરીના પરિણામ મુજબ પિતા કોરોના પોઝીટીવ જાહેર થયા છે. જ્યારે પુત્રનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. આમ, ૭૨ કલાકમાં ચાર વખત ટેસ્ટ કરાવ્યા બાદ પણ ચોક્કસ પરીણામ ન મળતાં પરિવાર કંટાળી ગયો છે.
![]() |
![]() |
દક્ષિણ ઝોનના ડે.હેલ્થ ઓફીસર તેજશભાઈ શાહના જણાવ્યા મુજબ કોર્પાેરેશનમાં આરટીપીસીઆર ટેસ્ટમાં ભૂલ થાય તેવી શક્યતા નહીંવત છે. તેમના પરિવારમાં એક વ્યક્તિ કોરોના પોઝીટીવ આવ્યા હોવાથી અન્ય સભ્યોના રીપોર્ટ નેગેટીવ આવે તેવી શક્યતા ઓછી છે. ખાનગી લેબોરેટરીમાં તેમના પુત્રનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હોવા છતાં પરિવારના તમામ સભ્યોને નિયમ મુજબ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.