અદાણીએ દિલ્હીમાં ‘1000 કરોડ’નો બંગલો માત્ર રૂ.400 કરોડમાં ખરીદ્યો
નવી દિલ્હી, ગૌતમ અદાણી ગ્રુપની માલિકની અદાણી પ્રોપર્ટીઝે નવી દિલ્હીના અતિપોશ એવા લ્યૂટિયન્સ ઝોનમાં એક મોટો બંગલો ખરીદ્યો છે. 3.4 એકર જમીન પર બનેલો આ બંગલો 25,000 ચોરસ ફુટનો બિલ્ટ-અપ એિયા ધરાવે છે. તેમાં સાત બેડરૂમ, છ લિવિંગ રૂમ અને ડાઈનિંગ રુમ્સ તેમજ સ્ટડી રુમ આવેલા છે. બંગલામાં સ્ટાફ ક્વાર્ટર માટે પ 7,000 ચોરસ ફુટ જગ્યા છે. આ બંગલાનો સોદો 400 કરોડમાં થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અદાણી પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ (APPL) અદાણી ગ્રુપની કંપની છે, જે જલ્દીથી આ બંગલાની માલિક બનશે. 100 વર્ષથી પણ જૂનો આ બે માળનો બંગલો નવી દિલ્હીના ભગવાન દાસ રોડ પર આવેલો છે.
બંગલાની માલિકી હાલ આદિત્ય એસ્ટેટ પાસે છે, પરંતુ કંપનીએ દેવાળું ફુંકતા બંગલાની હરાજી કરાઈ હતી, જેમાં અદાણી ગ્રુપે તેને 400 કરોડમાં ખરીદ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલા આ બંગલાની કિંમત તેના માલિક દ્વારા 1,000 કરોડ રુપિયાની આસપાસ હોવાનું જણાવાયું હતું. જોકે, નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલના 14 ફેબ્રુઆરીના ઓર્ડર અનુસાર, આ પ્રોપર્ટીની કિંમત માત્ર 265 કરોડ આંકવામાં આવી હતી. અદાણીની ઓફરને મંજૂર કરતાં NCLTએ અદાણી પ્રોપર્ટીઝને પર્ફોમન્સ ગેરંટી પેટે 5 કરોડ જમા કરાવવા આદેશ કર્યો છે.
બંગલાને પોતાના નામે કરવા માટે અદાણી પ્રોપર્ટીઝે 135 કરોડ રુપિયા કન્વર્ઝન ચાર્જ પણ ચૂકવવો પડશે. બંગલાની મિલકતનો પ્રકાર લીઝહોલ્ડરમાંથી માલિકીહક્કમાં ટ્રાન્સફર કરવા માટે આ ચાર્જ ભરવાનો રહેશે. પોતાના ઓર્ડરમાં NCLTએ એમ પણ કહ્યું હતું કે બે સ્વતંત્ર વેલ્યૂઅર્સ દ્વારા આ પ્રોપર્ટીની સરેરાશ કિંમત 306 કરોડ રુપિયાઆંકવામાં આવી હતી. બંગલો નંબર 3, ભગવાન દાસ રોડ એક સમયે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ડિયા ઈન કાઉન્સિલની ઓફિસ તરીકે વપરાતો હતો. 1921માં લાલા સુખબીર સિન્હાએ તેને ખરીદી લીધો હતો. આ બંગલાની માલિકી 1985માં આદિત્ય એસ્ટેટ્સ પાસે આવી હતી. એક સૂત્રના જણાવ્યા અનુસાર, આ બંગલાને થોડા વર્ષો પહેલા પણ વેચાણ માટે મૂકવામાં આવ્યો હતો. તે વખતે તેના માલિકોએ તેની કિંમત એક હજાર કરોડથી પણ વધુ આંકી હતી.
જોકે, સમય જતાં તેની કિંમત પણ ઘટતી રહી. આખરે NCLT દ્વારા તેની હરાજી કરવામાં આવતા માર્કેટ રેટ કરતાં પણ બંગલાની ઓછી કિંમત ઉપજી. આ બંગલાની હરાજી કરવા માટે ICICI બેંક, UK Plc દ્વારા NCLTને અરજી કરવામાં આવી હતી. અરજી 26 ફેબ્રુઆરી 2019ના રોજ દાખલ થઈ હતી. અદાણી ગ્રુપ સિવાય આ બંગલાને ખરીદવા માટે હેવેલ્સ ઈન્ડિયાના અનિલ રાય ગુપ્તા, દાલમિયા સિમેન્ટ લિમિટેડ, ઈન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિ, વીણા ઈન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પણ બોલી લગાવાઈ હતી.