Western Times News

Gujarati News

અદાણીએ રૂપિયા ૪૦૦ કરોડના ખર્ચે પ્લેન ખરીદ્યું

અમદાવાદ, વિશ્વના સૌથી ધનિકોના ક્રમાંકમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. હાલમાં તેમની પાસે ચાર લક્ઝુરિયસ એરક્રાફ્ટ હતા તેમાં હવે વધુ એક અત્યાધુનિક લક્ઝૂરિયસ એરક્રાફ્ટનો ઉમેરો થયો છે.

બુધવારે સાંજે આ નવું એરક્રાફ્ટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું ત્યારે તેનું વોટર કેનનથીપાણીનો છંટકાવ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ફોર્બ્સની યાદી મુજબ તેમની સંપત્તિમાં ૪.૯ અબજ ડોલર એટલે કે આશરે રુ. ૩૬૦૦૦ કરોડથી પણ વધારે ગ્રોથ થયો છે.

૨૦૧૪થી ગણતરી કરવામાં આવે તો વિતેલા આઠ વર્ષમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિ ૨૬૭ ટકા અને ગૌતમ અદાણીની સંપત્તિ ૪૩૨ ટકા વધી છે. ગૌતમ અદાણીની નેટવર્થ વધારવામાં અદાણી ગ્રૂપની એનર્જી સેક્ટરની કંપનીઓ અને તેમાં પણ રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીનનો મહત્વનો ફાળો છે.

અદાણી ગ્રુપે તાજેતરમાં ખરીદેલું આ એરક્રાફ્ટ ૧૭ સીટર ગ્લોબલ ૬૫૦૦ બોમ્બાર્ડિયર એરક્રાફ્ટ છે, જેને હાલ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ ખાતે પાર્ક કરવામાં આવ્યું છે. અદાણી ગ્રુપનું આ પાંચમાં એરક્રાફ્ટમાં રોલ્સ રોયસ પર્લ એન્જિન લગાવામાં આવ્યું છે.

જે ૫૧૦૦૦ ફીટ સુધીની ઊંચાઈએ પ્લેનને ઉડાવવા માટે સક્ષમ છે. આ સાથે પ્લેનમાં હાઈ સ્પીડ સેટેલાઈટ કોમ્યુનિકેશન સિસ્ટમ પણ આપવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો આ પ્લેન અદાણી ગ્રુપે રુ. ૪૦૦ કરોડની કિંમતે ખરીદ્યું હોઈ શકે છે.

ઓનલાઈન પ્રાઈવેટ એરક્રાફ્ટ માર્કેટપ્લેસ મુજબ આ એરક્રાફ્ટનું લેટેસ્ટ વેરિયન્ટ અંદાજે ૫૬ મિલિયન ડોલરમાં આવે છે. જે હાલના એક્સચેન્જ રેટ મુજબ ૪૨૪ કરોડ રુપિયા જેટલા થાય છે.

છેલ્લા કેટલાક સમયથી અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિ રાજાની રાજકુંવરીની જેમ દિવસે ન વધે એટલી રાત્રે અને રાત્રે ન વધે એટલી દિવસે વધી રહી છે. તાજેતરમાં જાહેર થયેલા ૨૦૨૨ M3M Hurun Global Rich Listના રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષની અંદર તેમની સંપત્તિમાં ૪૯ અબજ ડોલરનો ઉછાળો આવ્યો છે. એટલે કે દુનિયાના સૌથી ધનિક લોકો એલન મસ્ક, જેફ બેઝોસ અને બર્નાર્ડ એર્નોલ્ટની સંપત્તિમાં થયેલા વધારાનો સરવાળો કરો તો પણ ગૌતમ અદાણી તેમના કરતા આગળ છે.

ગૌતમ અદાણી અત્યારે રિલાયન્સ જૂથના મુકેશ અંબાણી પછી ભારતના અને એશિયાના બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ છે. હજુ પણ મુકેશ અંબાણી ધનિકોની યાદીમાં ટોચ પર છે. છેલ્લા એક વર્ષમાં તેમની કુલ સંપત્તિમાં ૨૪ ટકાનો વધારો થયો છે અને હાલમાં તેમની સંપત્તિ ૧૦૩ અબજ ડોલર છે.

અદાણીની સંપત્તિમાં આ ગાળામાં ૧૫૩ ટકાનો વધારો થયો છે અને તેઓ હાલમાં લગભગ ૮૧ અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે. છેલ્લા ૧૦ વર્ષની અંદર અંબાણીની સંપત્તિ ૪૦૦ ટકા વધી છે જ્યારે ગૌતમ અદાણીની સંપત્તિમાં ૧૮૩૦ ટકાનો વધારો થયો હોવાનું યાદીમાં જણાવાયું છે. અદાણી જૂથની રિન્યુએબલ એનર્જી કંપની Adani Greenના લિસ્ટિંગ પછી તેમની સંપત્તિ બે વર્ષની અંદર ૫ ગણી વધીને ૧૭ અબજ ડોલરમાંથી ૮૧ અબજ ડોલર થઈ ગઈ છે. ૨૦૨૧માં તેમની સંપત્તિમાં ૨૦ અબજ ડોલરનો વધારો થયો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.