અદાણીના શેરોમાં ધોવાણ, નેટવર્થમાં થયેલો ઘટાડો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/gautam-adani.jpg)
નવી દિલ્હી: અદાણી ગ્રુપની ૬ લિસ્ટેડ કંપનીઓમાંથી ૫ના શેર શુક્રવારે ધોવાયા હતા. બ્લૂમર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સ પ્રમાણે, શેર તૂટવાના કારણે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં ૧.૯૬ અબજ ડોલર એટલે કે આશરે ૧૪,૩૬૨ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ૫૯.૮ અબજ ડોલરની નેટવર્થ સાથે ગૌતમ અદાણી વિશ્વના અમીરોની યાદીમાં ત્રણ ક્રમ ફસડાઈને ૨૦મા નંબરે આવ્યા છે. એશિયાની વાત કરીએ તો, મુકેશ અંબાણી અને ચીનના ઝોંગ શૈનશૈન પછી ગૌતમ અદાણી ત્રીજા ક્રમે છે.
અદાણી ગ્રુપની ૬ લિસ્ટેડ કંપનીઓમાંથી પાંચના શેર શુક્રવારે ધોવાયા હતા. અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર ૫.૦૩ ટકા, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઝોન લિમિટેડનો શેર ૨.૩૬ ટકા, અદાણી ટોટલ ગેસનો શેર ૯.૧૦ ટકા, અદાણી ટ્રાન્સમિશનનો શેર ૫ ટકા અને અદાણી પાવરનો શેર ૧.૬૪ ટકા તૂટ્યો હતો. માત્ર અદાણી ગ્રીન એનર્જીના શેરમાં ૩.૬૩ ટકાનો ઉછાળો જાેવા મળ્યો હતો. અદાણી ગ્રુપની પાંચ કંપનીઓની માર્કેટ કેપ ૧ લાખ કરોડ રૂપિયાથી વધારે છે.
અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં આ વર્ષે ઘણો ઉછાળો આવ્યો છે. પરિણામે અદાણીની નેટ વર્થ આ વર્ષે ૨૬ અબજ ડોલર વધી છે. આ વર્ષે કમાણીના મામલે ફ્રાંસના બર્નાર્ડ આરનોલ્ટ સિવાય બાકી સૌને તેમણે હંફાવ્યા છે. આરનોલ્ટની કમાણી આ વર્ષે ૪૬.૫ અબજ ડોલર વધી છે. ટાટા ગ્રુપ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બાદ અદાણી ગ્રુપ ૧૦૦ અબજ ડોલરનું માર્કેટ કેપ મેળવનારું દેશનું ત્રીજું બિઝનેસ ગ્રુપ છે. દેશની સૌથી મૂલ્યવાન કંપનીના માલિક મુકેશ અંબાણી બ્લૂમર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સમાં ૧૩મા સ્થાને છે.