Western Times News

Gujarati News

અદાણી ગ્રીન એનર્જીએ એસબી એનર્જીને ખરીદી

એસબી એનર્જીમાં સોફ્ટબેંકનો ૮૦ ટકા, ભારતી ગ્રુપનો ૨૦ ટકા હિસ્સો હતો, જેને અદાણી ગ્રુપે ખરીદી લીધો

અમદાવાદ: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ૨૪ હજાર કરોડ રુપિયામાં એસબી એનર્જીને ખરીદી લેવાની જાહેરાત કરી છે. આ સોદાને રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે દેશનો સૌથી મોટો સોદો ગણાવવામાં આવી રહ્યો છે. એસબી એનર્જીને ખરીદી લેવા માટે અદાણી ગ્રુપ છેલ્લા કેટલાક સમયથી પ્રયાસ કરી રહ્યું હતું. જેમાં છેલ્લા ૧૫ દિવસમાં વધુ સઘન વાટાઘાટો હાથ ધરવામાં આવી હતી. એસબી એનર્જીની કેનેડિયન પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ સાથેની વાતચીત પડી ભાંગ્યા બાદ આખરે અદાણી ગ્રુપે આ સોદો પાર પાડ્યો હતો.

એસબી એનર્જીમાં સોફ્ટબેંકનો ૮૦ ટકા જ્યારે ભારતી ગ્રુપનો ૨૦ ટકા હિસ્સો હતો, જેને અદાણી ગ્રુપે ખરીદી લીધો છે. આ ડીલમાં અદાણીને ૪,૯૫૪ એમડબલ્યુ કેપેસિટી ધરાવતા સોલાર, વિન્ડ અને સોલાર-વિન્ડ હાઈબ્રિડ પ્રોજેક્ટ પ્રાપ્ત થશે. જેમાંથી ૧૪૦૦ એમડબલ્યુના પ્રોજેક્ટ હાલ કાર્યરત છે, અને બાકીના પર કામ ચાલી રહ્યું છે. આ તમામ પ્રોજેક્ટ ૨૫ વર્ષના પાવર પરચેઝ એગ્રિમેન્ટ ધરાવે છે, અને અદાણી ગ્રીનની પણ આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી રહી છે.

આ સોદા સાથે અદાણી ગ્રીનની કેપેસિટી હવે વધીને ૨૪,૩૦૦ મેગાવોટ પર પહોંચી ગઈ છે. કંપની ૨૦૨૫ સુધીમાં ૨૫,૦૦૦ મેગાવોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવાનો ટાર્ગેટ ધરાવે છે, જેનાથી હવે તે માત્ર ૭૦૦ એમડબલ્યુ જ દૂર છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આ સોદાને કંપની દ્વારા જાન્યુઆરી ૨૦૨૦માં સ્થાપિત કરાયેલા વિઝનની દિશામાં એક મહત્વનું પગલું ગણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, કંપની ૨૦૨૫ સુધીમાં વિશ્વની સૌથી મોટી સોલાર એનર્જી તેમજ ૨૦૩૦ સુધીમાં દુનિયાની સૌથી મોટી રિન્યૂએબલ એનર્જી ઉત્પન્ન કરતી કંપની બનવા માગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.