અદાણી ગ્રુપની માર્કેટ કેપ HDFC ગ્રુપ કરતાં પણ વધુ
નવી દિલ્હી, સંપત્તિ સર્જનના મામલે ગૌતમ અદાણી દેશમાં પહેલા સ્થાને પહોંચી ગયા છે એવી જ રીતે હવે અદાણી ગ્રુપની કંપનીઓની માર્કેટ કેપ સતત વધી રહી છે.
7 એપ્રિલ 2022ના રોજ અદાણી ગ્રુપની માર્કેટ કેપ રૂ. 15.30 લાખ કરોડ થતાં તેણે HDFC ગ્રુપને પાછળ રાખી દીધું છે. એટલું જ નહીં, પણ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (TCS) અને ઈન્ફોસિસ જેવી કંપનીઓ કરતાં પણ અદાણી ગ્રુપ આગળ ચાલી રહ્યું છે.
સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ અદાણી ગ્રુપની 7 કંપનીમાંથી રૂ. 3.57 લાખ કરોડ માર્કેટ કેપ સાથે અદાણી ગ્રીન સૌથી આગળ છે.
આ સિવાય અદાણી ટ્રાન્સમિશનની માર્કેટ કેપ રૂ. 2.88 લાખ કરોડ અને અદાણી ગેસની રૂ. 2.85 લાખ કરોડ માર્કેટ કેપ છે. થોડા મહિનાઓ પહેલાં લિસ્ટ થયેલી અદાણી વિલ્મરની માર્કેટ કેપ પણ આજે રૂ. 80,158 કરોડ પર પહોંચી ગઈ છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના માર્કેટ કેપના આંકડા મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 17.72 લાખ કરોડ છે, જ્યારે અદાણી ગ્રુપની 7 લિસ્ટેડ કંપનીની માર્કેટ કેપ રૂ. 15.30 લાખ કરોડ થઈ છે.
આ મુજબ હવે અદાણી ગ્રુપ રિલાયન્સ કરતાં માત્ર રૂ. 2.42 લાખ કરોડ પાછળ છે. બજારના નિષ્ણાતો માને છે કે ચાલુ વર્ષમાં અદાણીની માર્કેટ કેપ રિલાયન્સ કરતાં વધી શકે છે.