અદાણી સિમેન્ટ પ્લાન્ટમાં હાઈડ્રા પલ્ટી મારતાં એક કામદારનું ટુંકી સારવાર દરમ્યાન મોત
સી સ્ટોરેજ યાર્ડમાં લોખંડની બારી ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે વેળા બની ઘટના.
(વિરલ રાણા) ભરૂચ,
દહેજની અદાણી સિમેન્ટ પ્લાન્ટમાં ગતરોજ મૂળ બિહાર નો અને હાલ ગલેન્ડા રહેતા ૨૫ વર્ષીય કામદારનું ક્રેન પલ્ટી ખાતા નીચે દબાઈ જતાં ટુંકી સારવાર દરમ્યાન મોત થતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ ઓદ્યોગિક વિસ્તારમાં આવેલ અદાણી સિમેન્ટ પ્લાન્ટમાં સી સ્ટોરેજ યાર્ડમાં હાઈડ્રા દ્વારા લોખંડની બારી ઉતારવાની કામગીરી ચાલી રહી હતી.તે દરમ્યાન બેલેન્સ ગુમાવતા પલ્ટી મારી જતા નજીકમાં ઉભેલ રાજ એન્ટરપ્રાઈઝ માં કામ કરતો મૂળ બિહાર નો અને હાલ ગલેન્ડા ખાતે રહેતા જહૂરઆલમ જાકિરહુસેન ઉપર પડતા તે નીચે દબાઈ ગયો હતો.
જેને હેમખેમ બહાર કાઢી એમબ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.જેની ટુંકી સારવાર દરમ્યાન મોત નીપજતાં પોસ્ટ મોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.અકસ્માતની જાણ દહેજ મરીન પોલીસને થતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અકસ્માતની જાણ કામદારો દ્વારા કંપની સત્તાધીશોને કરવામાં આવતા દોડધામ મચી હતી તો કામદારોએ પણ એક સમયે હલ્લો પણ બોલાવ્યો હતો.તો કંપની સત્તાધીશો દ્વારા કામદારના મોત અંગે લેબર ઈન્સ્પેકટર કે ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓફિસર ને પણ અકસ્માત અંગે કોઈ જાણ કરવામાં આવી ન હતી.ત્યારે કંપની સત્તાધીશો અકસ્માતમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરતા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.