અદાલતો ત્વરીત શરૂ કરવા ચીફ જસ્ટીસ સમક્ષ રજુઆત

(એજન્સી) અમદાવાદ, રાજયમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં હાઈકોર્ટે ગંભીરતા દાખવી રાજયની તમામ અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી મોકૂફ રાખી દીધી છે. જેના કારણે વકીલો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગુજરાતની તાલુકા અને જીલ્લા કક્ષાની અદાલતો ચાલુ કરવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન વાઇસ ચેરમેન સહિતના અગ્રણીઓએ ચીફ જસ્ટીસને રજુઆત કરી હતી.
તેમની રજુઆત બાદ ચીફ જસ્ટીસ ટૂંક સમયમાં વકીલો અને પક્ષકારોના હિતને ધ્યાનમાં લઈ સકારાત્મકબ નિર્ણય લેવાશે એવી હૈયાધારણ આપી છે. કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અને ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે એના કારણે હાઈકોર્ટે રાજ્યની તમામ અદાલતોમાં ઓનલાઈન સુનાવણી કરવા આદેશ જારી કર્યો છે.
જેને કારણે ગુજરાતના તાલુકા અને જીલ્લાની અદાલતોમાં મહત્ત્વની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. અને તમામ કોર્ટો પણ બંધ થઈ ગઈ છે. ગુજરાતના આશરે ૭પ,૦૦૦ ધારાશાસ્ત્રીઓ વકીલાતનો વ્યવસાય પર અસર પડી રહી છે. અને જુનિયર ધારાશાસ્ત્રી તથા તમામ ધારાશાસ્ત્રી ઓ પણ બીજા બધાની જેમ આર્થિક નુકશાન વેઠી રહ્યા છે.
તેમજ કોર્ટમાં પણ કેસોનો અને કામનો ભરાવો થઈ રહ્યો છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન કિશોરકુમાર ત્રિવેદી, વાઈસ ચેરમેન કરણસિંહ વાઘેલા અને એક્ઝિક્યુટીવ કમિટી ના ચેરમેન મનોજ અનડકટ્ટે તમામ તાલુકા અને જીલ્લા કોર્ટની કાર્યવાહી ત્વરીત પુનઃ સ્થાપિત કરવા માટે રજુઆત કરી હતી.