અધિકારીઓએ જપ્ત કરેલી કાર અંગત વપરાશમાં લીધી
સુરત: બેંક ઓફ બરોડાની ગ્રામિણ શાખા બરોડા ગુજરાત ગ્રામીણ બેંકને ગ્રાહક સુરક્ષા અદાલતે એક લોનધારકને લોનની રકમના ૧૫ ટકા ચૂકવવાનો આદેશ કર્યો છે. લોનના હપ્તા ના ભરી શકતા ગ્રાહકની ગાડીને બેંક દ્વારા જપ્ત કરાઈ હતી. જાેકે, તેને બેંકના અધિકારીઓએ અંગત વપરાશમાં લેવાની શરુ કરી દીધી હતી. જે દરમિયાન કારનો અકસ્માત થઈ જતાં ગાડીનો માલિક ગ્રાહક સુરક્ષા અદાલતમાં પહોંચ્યો હતો.
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, તરુણ ભાટીયા નામના એક વ્યક્તિએ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાંથી ૪.૩ લાખ રુપિયાની લોન લઈને એક ગાડી ખરીદી હતી. જાેકે, તરુણે તેના હપ્તા ના ભર્યા હોવાથી ૧૧ માર્ચ ૨૦૨૦ના રોજ બેંકના અધિકારીઓ વિશાલ ઈટાલિયા, જ્યોર્જ ક્રિસ્ટી અને અભિલષ પ્રસાદ તેની ગેરહાજરીમાં જ ગાડીને ઉઠાવી લાવ્યા હતા.
ગાડી જપ્ત થયાના એક સપ્તાહમાં તરુણે લોનના જે કંઈ હપ્તા તેમજ અન્ય ચાર્જ બાકી હતા તેની ભરપાઈ કરીને પોતાની ગાડીનો કબજાે માગ્યો હતો. ત્યારે બેંક દ્વારા તેને ગાડી વલસાડથી લઈ લેવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને અંકલેશ્વરમાં એક ગેરેજમાંથી ગાડી લઈ જવાનું કહેવાયું હતું.
આ દરમિયાન જ્યોર્જ ક્રિસ્ટીએ તરુણનો સંપર્ક કરી તેની ગાડીને અઢી લાખ રુપિયામાં ખરીદી લેવાની ઓફર કરી હતી. જાેકે, તરુણને આ સોદો મંજૂર નહોતો. આખરે તે પોતાની ગાડી લેવા માટે બેંક દ્વારા જણાવાયેલા અંકલેશ્વરના ગેરેજ પર પહોંચ્યો હતો. જ્યાંથી તેને જાણવા મળ્યું હતું કે ક્રિસ્ટી આ ગાડીને દાહોદથી લઈને આવ્યો હતો, અને તેને અકસ્માત થતાં ગેરેજમાં લાવવામાં આવી હતી.