અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સનો લાભ અપાશે : નીતિનભાઇ પટેલ
ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના ૦૯ લાખ ૬૧ હજારથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે.
તા.૦૧.૦૭.૨૦૧૯ થી તા.૩૧.૧૨.૨૦૧૯ સુધી એમ કુલ-૬ માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાનો ર્નિણય કર્યો હતો. તે પૈકી જૂલાઈ-૨૦૧૯થી સપ્ટેમ્બર- ૨૦૧૯ના રકમની ચૂકવણી કરવામાં આવી હતી અને બૈકી રહેતા ઓક્ટોબર-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના એરીયર્સની ચુકવણી બાકી હતી. તે એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવવાનો ર્નિણય કર્યો છે.
શ્રી પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે પરામર્શ કર્યા બાદ અધિકારી/કર્મચારીઓ/પેન્શનરો રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચૂકવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
સાતમાં પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના અધિકારીઓ / કર્મચારીઓ / પેન્શનરોને ઓક્ટોબર-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધી એમ ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના આ એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવાશે. આ ચૂકવણાના કારણે રાજ્ય સરકારને અંદાજે કુલ-૪૬૪ કરોડનું વધારાનું ભારણ થશે. રાજ્ય સરકારના કુલ-૫,૧૧,૧૨૯ જેટલા કર્મચારીઓ તથા ૪,૫૦,૫૦૯ જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.