અધ્યક્ષ પદ માટે ચૂંટણી થશે તો કોંગ્રેસ પાર્ટી તૂટી જશેઃ સંજય નિરુપમ
નવી દિલ્હી, કોંગ્રેસ નેતાઓને ડર છે કે પાર્ટીમાં અધ્યક્ષ પદ માટેની ચૂંટણી થશે તો પાર્ટી તૂટી શકે છે. પાર્ટી નેતા સંજય નિરુપમે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે પાર્ટીમાં ચૂંટણી થશે તો લોકપ્રિયતાના કારણે જીતશે તો રાહુલ ગાંધી જ પરંતુ તેનાથી પાર્ટીમાં મોટા ભાગલા પડી શકે છે. તેમણે ટ્વીટ કરીને આ મામલે પોતાનું મંતવ્ય કરતા અધ્યક્ષ પદ માટે પાર્ટીમાં ચૂંટણી કરવાની વાતની વકીલાત કરનારા નેતાઓ પર પ્રહાર કર્યા છે.
કોંગ્રેસ નેતા સંજય નિરુપમે ટ્વીટ કરીને કહ્યું કે, કોંગ્રેસમાં કેટલાક નેતાઓ જે સંગઠનાત્મક ચૂંટણીની વાત કરી રહ્યા છે. હું તે લોકોને પૂછવા માગુ છું કે દેશમાં અત્યાર સુધીમાં કેટલા રાજનૈતિક પક્ષોમાં આવી રીતે ચૂંટણી કરીને પાર્ટી અધ્યક્ષની પસંદગી કરવામાં આવી છે? આજના સમયમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીનું આયોજન કરવું ઘાતકી છે. તેમજ જો પાર્ટીમાં ચૂંટણી યોજાશે તો લોકપ્રિયતાના કારણે જીતશે તો રાહુલ ગાંધી જ, તે તો નક્કી જ છે. પરંતુ તેનાથી પાર્ટીમાં મોટા ભાગલા પડી જશે.
તાજેતરમાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, જો પાર્ટીમાં આંતરીક ચૂંટણી યોજવામાં નહીં આવે તો આગામી 50 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીને વિપક્ષમાં જ બેસવું પડશે. જે લોકો આ ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છે તેમને ડર છે કે જો ચૂંટણીનું આયોજન કરવામાં આવશે તો તેઓ જે પદ પર છે તે તેમની પાસેથી છીનવાઈ જશે.