અનન્યાએ કેટલીક ચેટ ડિલિટ કરી હોવાની NCBને શંકા
મુંબઈ, ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન બાદ બોલિવુડ એક્ટ્રેસ અનન્યા પાંડેની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. બે દિવસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ સવા છ કલાક સુધી અનન્યા પાંડેની પૂછપરછ કરી હતી અને હવે સોમવારે તેને ફરી બોલાવી છે.
આર્યન ખાનના મોબાઈલમાંથી અનન્યા સાથેની વોટ્સએપ ચેટ મળી છે, જેમાં કથિત રીતે તેઓ ડ્રગ્સ અંગે વાતો કરતા હતા. જાેકે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને શંકા છે કે, અનન્યા પાંડેએ કેટલીક ચેટ ડિલિટ કરી નાખી છે. આ જ કારણ છે કે, એનસીબીએ અનન્યાના બે મોબાઈલ ફોન, લેપટોપ સહિત ૭ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, એનસીબીના અધિકારીઓએ અનન્યા પાંડેના બે મોબાઈલ ફોન, લેપટોપ અને બાકીના ગેજેટ્સને ફોરોન્સિક એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા છે. જેના દ્વારા તેની ચેટ્સ અને અન્ય વિગતો મળી શકે છે. એનસીબીને શંકા છે કે, એક્ટ્રેસ પૂછપરછ માટે આવી તે પહેલા તેણે કેટલાક મેસેજ ડિલિટ કરી નાખ્યા હતા.
આ વાતની પુષ્ટિ ફોરેન્સિક તપાસ દ્વારા જ થઈ શકે છે. આ ઉપરાંત જાે કોઈ કોન્ટેક્ટ પણ ડિલીટ કરવામાં આવ્યા હશે તો તેને પણ રિકવર કરી શકાશે. એનસીબી હવે ફોરેન્સિક રિપોર્ટની રાહ જાેઈ રહી છે. સોમવારે અનન્યા પાંડેની પૂછપરછ આ ફોરેન્સિક રિપોર્ટના આધારે જ થવાની છે.
ગુરુવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અનન્યાના ઘરે જઈને તેને સમન આપ્યું હતું. એ દિવસે સવા બે કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ બંને દિવસના થઈને કુલ સવા છ કલાક અનન્યા પાંડેની પૂછપરછ કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. અનન્યાના બે મોબાઈલ, લેપટોપ સહિતના ૭ ગેજેટ જપ્ત કરવામાં આવ્યા છે. પૂછપરછમાં અનન્યાએ ડ્રગ્સનું સેવન કર્યાનો ઈનકાર કર્યો હતો. જ્યારે આર્યન સાથેની ચેટમાં ગાંજાની વ્યવસ્થા કરી આપીશ તેવું કેમ કહ્યું હતું તેમ પૂછાતાં એક્ટ્રેસે મજાક કરી રહી હોવાનું કહ્યું હતું.
એનસીબી પાસે પહેલાથી જ આર્યન ખાનનો મોબાઈલ છે. આર્યનના વોટ્સએપ ચેટમાં અનન્યા ઉપરાંત કેટલાય વિદેશી નાગરિકો સાથેની ચેટ પણ છે. એટલે જ અનન્યાની પૂછપરછ થઈ રહી છે. આર્યન અને અનન્યા વચ્ચે ૨૦૧૮-૨૦૧૯ દરમિયાન ત્રણવાર ડ્રગ્સ અંગે વાત થઈ હતી. ચેટમાં કથિત રીતે ગાંજાનો ઉલ્લેખ છે. સપ્લાયરનો પણ ઉલ્લેખ ચેટમાં થયો છે.
શુક્રવારે ચાર કલાક સુધી થયેલી પૂછપરછમાં અનન્યાએ ડ્રગ્સ લીધા હોવાની વાતનો ઈનકાર કર્યો હતો. જાેકે, તેણે સિગરેટ પીધી હોવાનું સ્વીકાર્યું હતું. એક ચેટમાં કથિત રીતે અનન્યા કહે છે કે, તેણે એકવાર ગાંજાે ટ્રાય કર્યો છે અને બીજીવાર કરવા માગે છે. અનન્યા અને આર્યન વચ્ચે ડ્રગ પેડલરના નંબરની આપ-લે થઈ હોવાનો દાવો પણ એનસીબીએ કર્યો છે.
મહત્વનું છે કે, ૩ ઓક્ટોબરે ધરપકડ થયા બાદ હાલ આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે. તેની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં ૨૬ ઓક્ટોબરે સુનાવણી થવાની છે.