અનલૉક-3માં જિમ અને થિયેટરને મળી શકે છે છૂટ
નવી દિલ્હી: અનલૉક-3 માટે SOP બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સિનેમાઘરોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ખોલવામાં આવી શકે છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે 1 ઓગસ્ટથી થિયેટરો ખોલવા સંદર્ભે એક પ્રસ્તાવ ગૃહમંત્રાલયને મોકલી દીધો છે. આ મામલે I & B મિનિસ્ટ્રી અને થિયેટરોના માલિકો વચ્ચે અનેક બેઠકો યોજાઈ હતી. આ બેઠકોના અંતે સિનેમા હૉલના માલિકો 50 ટકા પ્રેક્ષકો સાથે થિયેટર શરૂ કરવા માટે તૈયાર થઈ ગયા છે. જો કે મંત્રાલય એવું ઈચ્છે છે કે, શરૂઆતમાં માત્ર 25 ટકા સીટો સાથે સિનેમાઘરો ખોલવામાં આવે અને નિયમોનું સખ્તીથી પાલન કરાવવામાં આવે.
અનલૉક-3માં થિયેટરોની સાથે જિમને પણ ખોલવાની છૂટ આપવામાં આવી શકે છે. જ્યારે સુત્રો અનુસાર, સ્કૂલો અને મેટ્રો ખોલવા પર હજુ સુધી વિચાર નથી કરવામાં આવ્યો. જો કે રાજ્યો માટે અનલૉક-3માં કેટલીક વધુ છૂટ આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના વધતા જતા સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે માર્ચ મહિનામાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. જે જૂન મહિના સુધી યથાવત રહ્યું હતું. 30 જૂને અનલૉક-1 અંતર્ગત કોરોના સંકટના કારણે લૉકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી. જે બાદ 1-જુલાઈથી અનલૉક-2ની શરૂઆત થઈ હતી. જે 31-જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી છે.