Western Times News

Gujarati News

અનાજના વેપારમાં એક કરોડના ટર્ન ઓવર પર ૧૦ હજારના કમીશનની લાલચ આપી છેતરપિંડી કરી

એક ખાતામાંથી ૧૦૦ કરોડથી વધુના વ્યવહારો કરનારા બેની સામે તપાસ

અમદાવાદ, ઉંઝા APMCમાં અનાજના વેપારમાં એક કરોડના ટર્ન ઓવર પર ૧૦ હજારના કમીશનની લાલચ આપી ઘાટલોડીયાના યુવકના ખાતામાં કરોડોનું ટ્રાન્ઝેકશન કરનાર સુત્રધાર રૂતુલ પટેલ અને ઉદય મહેતા સામે પોલીસે તપાસ શરૂ કરી છે.

ભૂયંગદેવમાં મહાવીરકૃપા સોસાયટીમાં રહેતાં ધારક જગદીશ પટેલ ઉ.વ.૩૦ એ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં બે માસ અગાઉ પટેલ રૂતુલ મનુભાઈ અને ઉદય ચંદ્રેશ મહેતા વિરૂધ્ધ આક્ષેપ કરતી અરજી કરી હતી. જેના આધારે ઘાટલોડીયા પોલીસે જુદી જુદી બેકોના ડીટેઈલ સ્ટેટમેન્ટની વિગતો મંગાવીને તપાસ કરવાનો નિર્ણય લીધો છે.

ધારક પટેલ ઉપરાંત અન્ય યુવકોના ખાતામાં પણ ૧૦૦-૧૦૦ કરોડથી વધુનું ટ્રાન્ઝેકશન થયાની વિગતો જાણવા મળતાં પોલીસે બે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસમાં ખુલેલી વિગત મુજબ ધારક પટેલના વિવિધ બેક એકાઉન્ટમાં ૧૦૦ કરોડથી વધુની મતાનું ટ્રાન્ઝેકશન થયું છે. સમગ્ર મામલે આઈટી અને ઈડીને જાણ કરવામાં આવે તો મોટું હવાલા રેકેટ બહાર આવે તેમ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહયા. છે.આરોપીઓએ ઉઝા એપીએમસીના બોગસ લાયાસન્સ કઢાવીને તે લાઈસન્સ નંબર આધારે ધારક જેવા અનેક યુવકોના ખાતામાં કરોડો રૂપિયાની હેરાફેરી કરી છે.

ઘાટલોડીયા પીઆઈ વાય.આર. વાઘેલાએ જણાવ્યું હતું કે, કરોડો રૂપિયાની હેરાફેરી થયાની વિગતો જાણવા મળી છે. જેના પગલે અમે જૂદી જુદી બેંકોના ડિટેઈલ સ્ટેટમેન્ટો મંગાવ્યા છે. આ સ્ટેટમેન્ટોના અભ્યાસ બાદ અન્ય કયા કયા યુવકોના ખાતામાં આ રીતે પૈસાની હેરાફેરી થઈ છે તે તપાસ કરવામાં આવશે. સંપૂર્ણ તપાસ બાદ આગળની કાર્યવાહી માટે ઉચ્ચ સ્તરે મંજૂરી માંગવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.