અનાથ આશ્રમમાં ૨૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

મુંબઇ, દેશમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ ફરી એકવાર વધી રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. જાે કે, કોરોનાના મહત્તમ કેસ માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાઇ રહ્યા છે. આ દરમિયાન મુંબઈના ભાયખલામાં સેન્ટ જાેસેફ અનાથાશ્રમ અને શાળામાં ૨૨ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાં સૌથી મોટી ચિંતા એ છે કે, ચેપગ્રસ્ત દર્દીઓમાં બાળકો અને કિશોરોની સંખ્યા વધારે છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ૨૨ દર્દીઓમાંથી ૪ દર્દીની ઉમર ૧૨ વર્ષથી ઓછી છે, જેમને મુંબઈ સેન્ટ્રલની નાયર હોસ્પિટલમાં બાળરોગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, બાકીના ૧૮ લોકોને ભાયખલાના રિચાર્ડસન અને ક્રુડાસ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ દર્દીઓની હાલત સ્થિર છે અને હાલમાં તેમનામાં કોરોના વાયરસના લક્ષણો નથી. જેમાંથી ૧૨ દર્દીઓની ઉંમર બાર વર્ષથી અઢાર વર્ષની વચ્ચે છે, જ્યારે ૬ દર્દીઓ પુખ્ત વયના છે. કોરોનાથી સંક્રમિત આ ૨૨ દર્દીઓમાં અનાથાશ્રમના રસોડામાં કામ કરતી ૭૧ વર્ષીય મહિલાનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા સોમવારના રોજ આ અનાથાશ્રમની બે છોકરીઓ કોરોના વાયરસથી સંક્રમિત થઇ હતી. જે પછી સમગ્ર અનાથાશ્રમમાં વિશેષ સ્ક્રિનિંગ દ્વારા કોરોના વાયરસ માટે દરેકનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ૨૨ લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. ભાયખલા ઇ-વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મનીષ વાલુંજેએ જણાવ્યું હતું કે, અમારી ટીમે ૨૪ ઓગસ્ટના રોજ આ અનાથાશ્રમમાં ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં આશ્રમ સ્ટાફ સહિત કુલ ૯૫ લોકો અને બાળકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ૨૫ ઓગસ્ટના રોજ તેમાંથી ૨૨ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો,HS