Western Times News

Gujarati News

અનામતમાંથી બાદબાકીનો નિર્ણય કાર્યપાલિકા અને ધારાસભાએ લેવાનો છેઃ સુપ્રીમ કોર્ટ

અમે આ મુદ્દે સુનાવણી કરવા માગતા નથી, સાંસદો કાયદો બનાવી શકે

અરજદારના વકીલે ક્રીમી લેયરની ઓળખ માટે પોલિસી બનાવવાના કોર્ટના ચુકાદાનો હવાલો આપ્યો હતો

નવી દિલ્હી,જે લોકોએ ક્વોટાનો લાભ મેળવ્યો હોય અને જેઓ અન્ય લોકો સાથે સ્પર્ધા કરી શકે તેવી સ્થિતિમાં હોય તેમને અનામતમાંથી બાકાત રાખવા કે કેમ તે અંગેનો નિર્ણય કાર્યપાલિકા અને ધારાસભા કરશે તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.એક અરજીની સુનાવણી વખતે જજ બી આર ગવઇ અને જજ ઓગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે ગયા વર્ષે ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટની સાત જજની બંધારણીય બેન્ચના ચુકાદાનો હવાલો આપવા સાથે આવી ટિપ્પણી કરી હતી. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, “અમે વિચાર રજૂ કર્યાે છે કે છેલ્લા ૭૫ વર્ષને ધ્યાનમાં લીધા પછી એવા લોકો જે અનામતનો લાભ લઇ ચૂક્યા છે અને અન્યની સાથે સ્પર્ધા કરવાની સ્થિતિમાં છે તેમને અનામતમાંથી બાકાત રાખવા જોઇએ.

જોકે, આ નિર્ણય ધારાસભા અને કાર્યપાલિકાએ લેવાનો છે.” ઉલ્લેખનીય છે કે, બંધારણીય બેન્ચે બહુમતી ચુકાદામાં જણાવ્યું હતું કે, “રાજ્યોને અનુસૂચિત જાતિઓમાં પેટાવર્ગીકરણનો બંધારણીય અધિકાર છે. જેથી તેમાં અતિપછાત વર્ગાેના વિકાસ માટે અનામત આપી શકાય.” સુપ્રીમ કોર્ટની બેન્ચમાં સામેલ જજ ગવઇએ અન્ય એક ચુકાદામાં જણાવ્યું હતું કે, “રાજ્યોએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વચ્ચે પણ ક્રીમી લેયરને ઓળખવા તેમજ તેમને અનામતનો લાભ આપવાના ઇનકાર માટે પોલિસી બનાવવી જોઇએ.”અરજદારના વકીલે ગુરુવારે ક્રીમી લેયરની ઓળખ માટે પોલિસી બનાવવાના કોર્ટના ચુકાદાનો હવાલો આપ્યો હતો.

તેના જવાબમાં જજ ગવઇએ જણાવ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટના વિચાર મુજબ પેટાવર્ગીકરણ સ્વીકાર્ય છે.” અરજદારે જણાવ્યું હતું કે, “બંધારણીય બેન્ચ તરફથી રાજ્યોને પોલિસી તૈયાર કરવાનો આદેશ આપ્યા પછી છ મહિના વીતી ચૂક્યા છે.” તેના જવાબમાં બેન્ચે જણાવ્યું હતું કે, “અમે આ મુદ્દે સુનાવણી કરવાના ઇચ્છુક નથી.” ત્યાર પછી વકીલે અરજી પાછી ખેંચવાની અને સંબંધિત અધિકારીને રજૂઆત સુપરત કરવાની મંજૂરી માંગી હતી, જે કોર્ટે આપી હતી. અરજદારના વકીલે જણાવ્યું હતું કે, “રાજ્યો પોલિસી નહીં બનાવે. એ સમયે સુપ્રીમ કોર્ટે દરમિયાનગિરી કરવી પડશે.” તેના જવાબમાં કોર્ટે જણાવ્યું હતું કે, “સાંસદો કાયદો બનાવી શકે છે.”ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.