અનિરુદ્ધસિંહ જાડેજાની ડિજિટલ કેબલ ફેડરેશનના અધ્યક્ષ તરીકે નિમણૂંક
નવી દિલ્હીઃ ડિજિટલ કેબલ ટેલિવિઝનની સર્વોચ્ચ સંસ્થા, ઓલ ઈન્ડિયા ડિજિટલ કેબલ ફેડરેશન (એઆઈડીસીએફ)એ ફેડરેશનના નવા અધ્યક્ષ તરીકે શ્રી અનિરુદ્ધસિંહ જાડેજા (એમડી- જીટીપીએલ હેથવે લિમિટેડ)ની નિમણૂકની જાહેરાત કરી હતી. શ્રી એસ.એન. શર્મા (સીઈઓ- ડેન નેટવર્ક્સ લિમિટેડ)નો એઆઈડીસીએફના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ 31 માર્ચ, 2021ના રોજ પૂર્ણ થયા બાદ નવા અધ્યક્ષ તરીકે શ્રી જાડેજાની નિમણૂક કરાઈ હતી.
પોતાના વિદાય પ્રવચનમાં શ્રી એસ.એન. શર્માએ નવા અધ્યક્ષ તરીકે શ્રી અનિરુદ્ધસિંહ જાડેજાને આવકારતા જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષ દરમિયાન કેબલ ઉદ્યોગે કોવિડ-19ની મહામારીમાં કામગીરીની સમસ્યાઓ સહિતના અનેક પડકારોનો સામનો કર્યો હોવા છતાં લોકો સાથેના મજબૂત જોડાણને પગલે તે તેમાંથી સારી રીતે બહાર નિકળવામાં સફળ રહ્યો છે. અમને આશા છે કે આગામી સમય કેબલ ઉદ્યોગ માટે સાનુકૂળ અને વૃદ્ધિદાયક બની રહેશે.
એઆઈડીસીએફના નવા અધ્યક્ષ પદે નિમણૂક કરવા બદલ આભાર વ્યક્ત કરતાં શ્રી અનિરુદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે એઆઈડીસીએફ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકો સાથે મળીને કામ કરવાની સમાવેશક નીતિ પર ધ્યાન કેન્દ્રીત કરવા ઉપરાંત કેબલ ઉદ્યોગ અને તેના હિસ્સેદારોની વૃદ્ધિ માટે તથા વિવિધ મંચ પર ઉદ્યોગને લગતાં મુદ્દાઓ અને જરૂરિયાતોનું પ્રતિનિધિત્વ કરશે.
બ્રોડકાસ્ટિંગ અને કેબલ ઉદ્યોગ, ટેક્નોલોજી અને ડિલીવરીમાં પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને એઆઈડીસીએફ ખાતે અમે ટેક્નોલોજીના આધુનિકરણ દ્વારા ગ્રાહકોને લાભ થાય તે માટે સતત પ્રયાસરત રહીશું.
એઆઈડીસીએફના મહાસચિવ શ્રી મનોજ પી. છંગાનીએ જણાવ્યું હતું કે આગામી બે વર્ષ કેબલ ઉદ્યોગમાં ટેક્નોલોજીકલ પરિવર્તનના વર્ષો બની રહેશે અને મને ખાતરી છે કે શ્રી જાડેજાના નેતૃત્વ હેઠળ એઆઈડીસીએફ ગ્રાહકોને આધુનિક સેવાઓ પૂરી પાડવા માટેનો મજબૂત માર્ગ તૈયાર કરવામાં સફળ રહેશે.