અનિરુદ્ધ દવેની સ્થિતિ સુધરી રહી છે : પત્ની શુભિ
મુંબઈ: એક્ટર અનિરુદ્ધ દવેને કોરોના થયા બાદ તબિયત લથડતાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે, અનિરુદ્ધની સ્થિતિ સુધારા પર છે અને રિકવરી ઝડપથી થઈ રહી છે. છેલ્લા ૧૪ દિવસથી કોરોના સામે મજબૂતાઈથી લડ્યા બાદ હવે અનિરુદ્ધની તબિયત સુધરી રહી છે. શક્તિઃ અસ્તિત્વ કે અહેસાસ કી’ સીરિયલનો ભાગ રહી ચૂકેલા અનિરુદ્ધ કોરોના સામે ખૂબ જ ગંભીર લડાઈ લડી છે. અનિરુદ્ધના ૮૦ ટકા ફેફસામાં સંક્રમણ થયું હતું.
ગત અઠવાડિયે તેની સ્થિતિ સતત ખરાબ થઈ રહી હતી. પરિણામે તેને ભોપાલની બીજી એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અનિરુદ્ધની સ્થિતિ ગંભીર થતાં તેની પત્ની શુભિ તેમના બે મહિનાના દીકરા અનિશ્કને પોતાના માતાપિતા પાસે કોટામાં મૂકીને ભોપાલ દોડી ગઈ હતી. જાે કે, હજી પણ અનિરુદ્ધ આઈસીયુમાં જ છે અને તેની પત્ની શુભિએ તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ ચાલુ રાખવાની વિનંતી કરી છે. શુભિએ કહ્યું, અનિરુદ્ધ સુધી સૌની પ્રાર્થનાઓ પહોંચી રહી છે
ત્યારે મારી ફરજ છે કે હું સ્પષ્ટતા કરું. અનિરુદ્ધે બીજાે કોઈ કોવિડ ટેસ્ટ નથી કરાવ્યો માટે હું મીડિયાને વિનંતી કરીશ કે ખોટા માહિતી લખવાથી બચે. હું સૌને ફરીથી વિનંતી કરું છું કે અનિરુદ્ધ માટે પ્રાર્થના કરજાે. અનિરુદ્ધ સાથે જાેડાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, હાલ તો ડૉક્ટરોનું ધ્યાન અનિરુદ્ધના ફેફસામાં ફેલાયેલા ઈન્ફેક્શનને કંટ્રોલ કરવાનું છે. તેની સારવાર કરી રહેલી ડૉક્ટરોની ટીમ તેને રાહત મળે તે માટે બધું જ કરી રહી છે. તેને હજી થોડા દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડશે.
આ સંકટના સમયમાં અનિરુદ્ધના મિત્રો તેનું મનોબળ વધારવા આગળ આવ્યા છે. ગત અઠવાડિયે તેના મિત્રોએ વિડીયો કોન્ફરન્સ કૉલ કર્યો હતો. જાે કે, અનિરુદ્ધ ઓક્સિજન સપોર્ટ પર હોવાથી વાત નહોતો કરી શક્યો. પરંતુ સૂત્રોનું માનીએ તો, અનિરુદ્ધે ગઈકાલથી (૮ મે) વિડીયો કૉલ પર વાત કરવાનું શરૂ કર્યું છે.