અનિલ વિજ ICUમાં ઓક્સિજન સપોર્ટ પર
હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજની હાલત હાલ સ્થિર છે, પણ તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. મંત્રી વિજ ગુરુગ્રામમાં સેક્ટર-38 ખાતે આવેલી મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. બુધવારે તેમને પ્લાઝ્મા આપવામાં આવ્યા છે, જેની અસર દેખાવાની રાહ જોવાઈ રહી છે.
મેદાંતાનાં ડોક્ટર સુશીલા કટારિયાના નેતૃત્વમાં CMO વિરેન્દ્ર યાદવ સહિત પાંચ ડોક્ટર્સ તેમની દેખરેખ કરી રહ્યાં છે. મંત્રી વિજને લગભગ 4થી 5 દિવસ ICUમાં રાખવામાં આવશે. મંગળવાર તથા રવિવારે પણ તેમના ટેસ્ટ કરવામાં આવ્યા, જેના રિપોર્ટમાં ન્યૂમોનિયાને કારણે ફેફસાંમાં સંક્રમણ જોવા મળ્યું છે.
મેદાંતાના વરિષ્ઠ ડોક્ટર્સે જણાવ્યું હતું કે મંત્રી વિજને કોવિડ ન્યૂમોનિયા થયો છે. આ જ કારણે તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 20 નવેમ્બરે સ્વાસ્થ્યમંત્રીને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. તેમણે પોતે આ અંગેની માહિતી ટ્વીટ કરીને આપી હતી કે તે કોરોના સંક્રમિત થયા છે.
કોરોના સંક્રમણ થયા પહેલાં તેમને PGI રોહતક લઈ જવાયા હતા, પરંતુ પરિવારજનો સારવારથી અસંતુષ્ટ હતા, જેથી તેમને મેદાંતા હોસ્પિટલમાં લઈ જવાયા. અહીં ડોક્ટર્સની આખી ટીમ તેમની દેખરેખમાં લાગી ગઈ છે. તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે.