અનીલ સ્ટાર્ચ કૌભાંડ: મિલની ૯૦૦ કરોડની જગ્યાના હવે ૪૦૦ કરોડમાંય લેવાલ નથી
અમદાવાદ, અનીલ સ્ટાર્ચ મીલના માલીક કૌભાંડી અમોલ શેઠની ક્રાઈમબ્રાંચે ૩.૬૪ કરોડની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરીને પુછપરછ કરી રહી છે જાેકે કૌભાંડી અમોલ શેઠ અનીલ સ્ટાર્ચ મીલના ઓઠા હેઠળ અને તેના પરીવારના સભ્યોની શાખ ઉપર જ ર૦ જેટલી બનાવટી કંપનીએ ખોલીને મકાઈના વેપારીઓ અને રોકાણકારો પાસેથી ત્રણ હજાર કરોડનું ઉઠામણું કર્યું હતું. અમોલ શેઠ ઉધોગપતિ પરીવારનો પુત્ર છે
પરંતુ તેનું વિઝન ના હોવાના કારણે અને મિસમેનેજમેન્ટના કારણે સદંતર નિષ્ફળ નિવડયો હતો. તેમજ તેના ઓરીજીનલ અનીલ સ્ટાર્ચ મીલના ધંધામાં કોઈ પણ જાતનું ધ્યાન આપ્યું નહીં અને ડેરી ઉધોગ, શેરબજાર, ફુડ કોર્ટ જેવા ૧૦ જેટલા અલગ-અલગ જાતના ધંધાઓ કર્યા હતા.
તેને બચવા માટે બેંકોમાંથી કરોડો રૂપિયાની લોનો લઈ લીધી તેમજ નવી નવી રોકાણ કરાવવાની સ્કીમોમાં લોકોને રોકાણ કરીને રોવડાવતાં આખરે કાયદાના સકંજામાં આવી ગયો હતો. જેટલી ફરીયાદો થઈ તેમાં ધરપકડથી બચવા માટે કાયદાના જાણકારો પાછળ પણ કરોડો રૂપિયા વેડફી નાખતાં આખરે ક્રાઈમબ્રાંચ ત્રણ ફરીયાદ નોધાવી છે. આખરે જેલના સળીયા પાછળ જવા વારો આવ્યો છે.
કૌભાંડી અમોલ શેઠ ક્રાઈમબ્રાંચના અધિકારીઓને પણ ગોળ-ગોળ ફેરવી રહયો છે. તેમજ તેની પાસે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સાવલીમાં કરોડો રૂપિયાની જમીનો હોવાનું પોલીસસુત્રો તરફથી જાણવા મળ્યું છે. ઠગ અમોલ શેઠની બાપુનગરમાં આવેલી અનીલ સ્ટાર્ચ મીલના પણ એરીયાની વેલ્યુએશન પ્રમાણે ૯૦૦ કરોડની થતી હોવાનું પોલીસસુત્રો તરફથી જાણવા મળ્યું છે.
પરંતુ અમોલ શેઠે બેકો અને રોકાણકારો પાસે ઠગાઈ કરતાં એનસીએલટીમાં તેના સામે કાર્યવાહી ચાલી રહી હોવાનું લોકો જાણતા હોવાથી મીલની હરાજી ૧ર૦૦ કરોડમાંથી ૪૦૦ કરોડ પર આવી ગઈ છે. અનીલ સ્ટાર્ચ મીલની જમીન ખરીદવા માટે અનેક લોકોને રસ છે. પરંતુ હજુ સસ્તામાં ખરીદવા માટે પ્રયાસ કરી રહયા છે.