અનુપમાના એક્ટ્રેસ માધવી ગોગાટેનું ૫૮ વર્ષની વયે નિધન
મુંબઈ, જાણીતી ટીવી સીરિયલ અનુપમામાં રૂપાલી ગાંગુલીની મમ્મીનો રોલ કરનારાં એક્ટ્રેસ માધવી ગોગટેનું અવસાન થયું છે. માધવી ગોગટેએ ૨૧ નવેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા.
થોડા દિવસ પહેલા જ માધવી ગોગટે કોરોના સંક્રમિત થયા હતા. એવા અહેવાલો છે કે, કોરોના સંક્રમિત થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત સુધારા પર હતી પરંતુ અચાનક જ હાલત ખરાબ થઈ અને ૨૧ નવેમ્બરે બપોરે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.
માધવી ગોગટેના અવસાનથી અનુપમાના કલાકારોને આઘાત લાગ્યો છે. અનુપમાનો રોલ કરતી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ પોતાની ઓન-સ્ક્રીન મમ્મીના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. માધવી ગોગટે સાથેની તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરતાં રૂપાલીએ લખ્યું, ઘણું બધું કહેવાનું અધૂરું રહી ગયું.
તમને સદ્ગતિ મળે માધવીજી. ‘અનુપમા’માં બાનો રોલ કરતાં અભિનેત્રી અલ્પના બુચે પણ માધવી ગોગટેના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર માધવી ગોગટેની તસવીર શેર કરતાં લખ્યું, “માધવીજી આ ખોટું કર્યું. સીન પૂરો થાય એ પહેલા એક્ટર એક્ઝિટ ના લઈ શકે.
અમે તમને અનુપમાના સેટ પર ખૂબ યાદ કરીશું. તમારી ક્યૂટ સ્માઈલ, મીઠા અવાજ, ગમ્મતને યાદ કરીશું. અનુપમામાં પાખીનો રોલ કરતી એક્ટ્રેસ મુસ્કાન બામણેએ પણ માધવી ગોગટેના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું, અમે તમને યાદ કરીશું માધવી મે’મ. હજી થોડા દિવસ પહેલા તો મળ્યા હતા, વિચાર્યું નહોતું કે તે છેલ્લી મુલાકાત હશે.
જાણીતા અભિનેત્રી નીલૂ કોહલીએ પણ પોતાનાં બહેનપણી માધવીને યાદ કરીને ઈમોશનલ નોટ લખી છે. તેમણે માધવીની તસવીર શેર કરતાં લખ્યું, “મારી વહાલી બહેનપણી માધવી ગોગાટે વિશ્વાસ નથી થતો કે તું અમને છોડીને જતી રહી છે. જવા માટે તારી ઉંમર ખૂબ ઓછી હતી. કોરોના પર રોષ ઠાલવતાં નીલૂએ આગળ લખ્યું, જ્યારે તેં મારા મેસજનો જવાબ નહોતો આપ્યો એ દિવસે કાશ મેં ફોન ઉપાડીને તારી સાથે વાત કરી હોત. હવે મારી પાસે અફસોસ કરવા સિવાય કશું જ નથી.SSS