અનુષ્કા વિરાટકોરોનાની લડાઈમાં ૨ કરોડ દાન આપીને ફંડરેઝરની શરૂઆત કરી
મુંબઇ: પ્રિયંકા ચોપરા-નિક જાેનસ બાદ હવે ક્રિકેટર વિરાટ કોહલી તથા તેની પત્ની અનુષ્કા શર્માએ જરૂરિયાતમંદ લોકો માટે પૈસા ભેગા કરવાનું અભિયાન શરૂ કર્યુ છે. વિરાટ તથા અનુષ્કાએ ચાહકોને આ અભિયાનમાં મદદ કરવાની અપીલ કરી છે. અનુષ્કા તથા વિરાટે આ ફંડમાં રૂપિયા ૨ કરોડનું દાન આપ્યું છે.
વિરાટ કોહલીએ કહ્યું હતું, ‘અનુષ્કા તથા મેં કોવિડ ૧૯ની સામેની જંગમાં કેટ્ટો (ફંડરેઝિંગ કરતી વેબસાઈટ) પર ફંડ ભેગું કરવાનું અભિયાન શરૂ કર્યું છે. અમે તમારા સમર્થનના આભારી રહીશું. આપણે સાથે મળીને આગળ આવીએ તથા જરૂરિયાતમંદ લોકોની મદદ કરીએ. હું તમામને અમારા આ અભિયાનમાં સામેલ થવાનો આગ્રહ કરું છું.’
વિરાટ તથા અનુષ્કાએ ૪૬ સેકન્ડનો એક વીડિયો પણ શૅર કર્યો છે, જેમાં તે કહે છે, ‘ભારતની સ્થિતિ હાલ ઘણી જ મુશ્કેલ છે. દિવસ રાત લડતા લોકોને સલામ, પરંતુ હવે તેમને જરૂર છે, આપણા સપોર્ટની તથા તેમની સાથે ઊભા રહેવાની. આથી જ અમે એક ફંડરેઝરની શરૂઆત કરી છે.’
વીડિયો પોસ્ટ કરીને અનુષ્કાએ કહ્યું હતું, ‘આપણો દેશ કોવિડ ૧૯ની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે, આપણી હેલ્થકેર સિસ્ટમ અનેક પડકારોનો સામનો કરી રહી છે. લોકોની મજબૂરી જાેઈને મારું હૃદય ભાંગી પડ્યું છે. તેથી જ મેં તથા વિરાટે કેટ્ટો સાથે મળીને નામનું અભિયાન શરૂ કર્યું છે. આપણે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવીશું. મહેરબાની કરીને ભારત તથા ભારતીયોના સપોર્ટમાં આગળ આવો. તમારું કોન્ટ્રીબ્યૂશન આ મુશ્કેલ સમયમાં કોઈનું જીવન બચાવી શકે તેમ છે માસ્ક પહેરો, ઘરમાં રહો, સલમાત રહો.
પહેલી મેના રોજ અનુષ્કા શર્માનો જન્મદિવસ હતો. જાેકે, તેણે પોતાના બર્થડે સેલિબ્રેટ કર્યો નહોતો. સો.મીડિયામાં અનુષ્કા શર્માએ વીડિયો શૅર કરીને બર્થડે વિશ માટે આભાર માન્યો હતો. તેણે કહ્યું હતું કે દેશ જ્યારે કોવિડ ૧૯ના સંકટ સામે ઝઝૂમે છે, ત્યારે તેને પોતાનો જન્મદિવસ મનાવવો યોગ્ય લાગ્યો નહીં. અનુષ્કાએ સંકટની ઘડીમાં સાથે મળીને દેશને સમર્થન કરવાની અપીલ કરી હતી.
આઇપીએલ ૨૦૨૧ની બાકીની મેચ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. હવે બાકીની મેચ રમાશે, ક્યારે રમાશે તે અંગે કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી. તમામ ખેલાડીઓ ઘરે પરત ફરી રહ્યાં છે. વિરાટ કોહલી પણ મુંબઈ આવી ગયો છે.