અનુષ્કા શર્મા બેબી બંપ સાથે મેગેઝિનના કવર પર દેખાઈ
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા માટે ૨૦૨૦નું વર્ષ ખુશીઓ લઈને આવ્યું હતું તેમ કહી શકાય કારણકે એક્ટ્રેસ ટૂંક સમયમાં જ મા બનવાની છે. પ્રેગ્નેન્ટ અનુષ્કા શર્માએ એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં અનુષ્કા શર્મા બેબી બંપ ફ્લોન્ટ કરતી જાેવા મળે છે.
મેગેઝીન માટે અનુષ્કાએ કરાવેલા તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ચર્ચામાં છે અને સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહી છે. મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં અનુષ્કા શર્માએ પોતાની પ્રેગ્નેન્સી વિશે વાત કરી હતી. અનુષ્કા શર્માએ મેગેઝીન માટે કરાવેલા ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ શેર કરી છે.
અનુષ્કાએ તસવીરો શેર કરતાં લખ્યું, જિંદગીભર માટે મેં આને મારા માટે કેદ કરી લીધું છે. મજા આવી આ ફોટોશૂટમાં. અનુષ્કા શર્માએ મેગેઝીન સાથે વાત કરતાં જણાવ્યું, લોકડાઉનના કારણે મેં ઘરે ઘણો સમય વિતાવ્યો. આ દરમિયાન કોઈને ગંધ પણ ના આવી કે હું પ્રેગ્નેન્ટ છું. એક પ્રકારે આ કોરોના મહામારી વિચિત્ર સ્વરૂપે વરદાન જેવી રહી. વિરાટ મારી સાથે હતો અને હું પ્રેગ્નેન્સી સિક્રેટ રાખવા માગતી હતી. અમે માત્ર ડૉક્ટરના ત્યાં જવા ઘરની બહાર નીકળતા હતા.
એ વખતે રસ્તા પર કોઈ હોતું નહીં માટે અમે કોઈની નજરે પણ નહોતા ચડતા. પ્રેગ્નેન્સીના શરૂઆતના દિવસો વિશે વાત કરતાં અનુષ્કાએ કહ્યું, એ દરમિયાન હું ‘બુલબુલ’ના પ્રમોશનમાં વ્યસ્ત હતી. ઝૂમ કોલ વખતે અચાનક મને તકલીફ થઈ હતી. હું અસ્વસ્થતા અને નબળાઈ અનુભવી રહી હતી. જે બાદ મેં તરત જ મારો વિડીયો બંધ કરી દીધો હતો અને મારા ભાઈ કર્ણેશને મેસેજ કર્યો હતો. એ વખતે કર્ણેશ પણ કોલમાં હાજર હતો. જાે હું સેટ કે સ્ટુડિયોમાં હોત તો પ્રેગ્નેન્સીની વાત દરેક જણ જાણી જ ગયું હોત.