અનુષ્કા ૩ મહિના UKમાં વિતાવી પતિ સાથે દુબઈ પહોંચી
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ યુકેને અલવિદા કહી દીધું છે અને રવિવારે પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકા સાથે દુબઈ પહોંચી છે. દુબઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ની બાકી રહેલી મેચો રમાવાની છે ત્યારે કેપ્ટન કોહલી અહીં પહોંચી ગયો છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલીક તસવીરો શેર કરીને જાણકારી આપી છે કે, તેઓ દુબઈ પહોંચી ગયા છે. પહેલી તસવીર એક્ટ્રેસ પ્લેનમાં હતી ત્યારે તેણે ખેંચી હતી. જેમાં તેણે યુકેને અલવિદા કહેતા સુખદ યાદો આપવા માટે આભાર માન્યો હતો. બીજી તસવીરમાં દુબઈ પહોંચી ગયા હોવાની જાહેરાત કરતાં એક્ટ્રેસ રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુનું બેનર બતાવ્યું છે.
તેણે લખ્યું, અમે આવી ગયા છીએ દુબઈ. અન્ય એક તસવીરમાં અનુષ્કા શર્માએ દુબઈની હોટેલમાં તેમનું સ્વાગત કેવી રીતે કરવામાં આવ્યું તેની ઝલક બતાવી છે. હોટેલના રૂમમાં વિરુષ્કા અને વામિકા માટે ખાસ સ્વીટ મૂકવામાં આવ્યા હતા. સ્વીટ્સની સાથે વિરાટ-અનુષ્કાની તસવીર પણ મૂકવામાં આવી છે. તેની બાજુમાં ‘ચોકલેટનો વિરાટ’ છે. એટલે કે ચોકલેટમાંથી વિરાટની નાનકડી પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે.
અનુષ્કાએ આ સ્વાગતની તસવીરો હાર્ટ સ્ટીકર સાથે શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો આવતાં આઈપીએલની બાકીની મેચો મુલતવી રાખવામાં આવી હતી. આઈપીએલ ૨૦૨૧નો બીજાે તબક્કો ૧૯ સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થવાનો છે. વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુનો કેપ્ટન છે. વિરાટની ટીમ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સના પ્લેયર્સ પણ દુબઈ આવી ગયા છે.
જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા આ વર્ષે જૂન મહિનાથી ભારતની બહાર છે. એક્ટ્રેસ પતિ વિરાટ કોહલી સાથે ટ્રાવેલ કરી રહી છે. વિરાટ અને ટીમ ઈન્ડિયા જ્યાં પણ ક્રિકેટ ટૂર પર જાય ત્યાં અનુષ્કા દીકરી વામિકા સાથે જાય છે. હવે કેપ્ટન કોહલી અને તેનો પરિવાર દુબઈ પહોંચી ગયો છે. અનુષ્કા વિદેશની પોતાની ટૂરની ઝલક પણ સોશિયલ મીડિયા પર બતાવતી રહે છે. યુકેની ટૂર દરમિયાન અનુષ્કાએ અન્ય ક્રિકેટરોની પત્નીઓ અને પતિ વિરાટ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો.SSS