અનુસુચિત જાતિ, જનજાતિ પર અત્યાચારના કેસમાં ૧૧.૫ ટકા વધારો
નવીદિલ્હી: અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર અત્યાચારના કેસ ૨૦૧૯માં ૧૧.૪૬ ટકા વધ્યા છે. જાેકે, ૨૦૧૮માં તેમાં લગભગ ૧૧.૧૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. સામાજિક ન્યાય અને સશકિતકરણના રાજયકક્ષાના મંત્રી રામદાસ આઠવલેએ બુધવારે રાજયસભામાં જણાવ્યું હતું કે, અત્યાચારના કેસની ઝડપી નોંધણી, ગુનાની ત્વરિત તપાસ અને કોર્ટ્સ દ્વારા કેસનો સમયસર નિકાલ નિશ્યિત કરવા કેન્દ્ર સરકાર રાજય સરકારોની કાયદા અમલીકરણ એજન્સીની સમીક્ષા કરી રહી છે.
આઠવલેએ જણાવ્યું હતું કે, ‘૨૦૧૮માં અનુસૂચિત જાતિ અને જનજાતિ પર અત્યાચારના કેસ અગાઉના વર્ષની તુલનામાં લગભગ ૧૧.૧૫ ટકા ઘટ્યા હતા. જાેકે, ૨૦૧૯માં આ કેસમાં ૧૧.૪૬ ટકાનો વધારો નોંધાયો છે.’ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના ડેટા મુજબ ૨૦૧૯માં આઇપીસીના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કાયદા હેઠળ કુલ ૪૯,૬૦૮ કેસ નોંધાયા હતા. જયારે ૨૦૧૮ અને ૨૦૧૭માં આ કેસની સંખ્યા અનુક્રમે ૪૪,૫૦૫ અને ૫૦,૦૯૪ હતી. વધુમાં કેન્દ્ર સરકાર સમયાંતરે રાજય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કાયદા, ૧૯૮૯ના નિયમોને અસરકારક રીતે લાગુ કરવાની એડવાઇઝરી જારી કરતી રહી છે એવી માહિતી મંત્રીએ આપી હતી.