અનુસૂચિત જાતિઓના સર્વગ્રાહી ઉત્કર્ષ માટે કરેલા આયોજન અંગે સમાજ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન
સમાજના છેવાડાના માનવીને વિકાસની મુખ્યધારામાં લાવવાના કલ્યાણકારી વિચાર સાથે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સરકારે અનેક કલ્યાણ યોજનાઓ અમલી બનાવી છેઃ-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સમાજનો છેવાડાનો માનવી પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં આવે તેવા કલ્યાણકારી વિચાર સાથે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સરકારે અનેક વિકાસ યોજનાઓ અમલી બનાવી છે. જે સમાજ હજુ પણ મુખ્ય પ્રવાહથી વંચિત છે તે આગળ આવે તે માટે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી સૌને સાથે મળી કાર્યરત થવા તેમણે અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે અનુસૂચિત જાતિઓના સર્વગ્રાહી ઉત્કર્ષ માટે કરેલા આયોજનનો રૂણ સ્વીકાર કરવા અનુસૂચિત જાતિ મોરચાના ઉપક્રમે મુખ્યમંત્રીશ્રીનું સન્માન-અભિવાદન યોજવામાં આવ્યું હતું.
શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસના પાયામાં શિક્ષણની ભૂમિકા સમજાવતાં જણાવ્યું કે, પરંપરાગત માનસિકતાથી બહાર આવી શિક્ષણ સહિતના સર્વગ્રાહી વિકાસ માટે આ સમાજ વર્ગો આગળ આવશે તો સરકાર સદાય તેમની સાથે છે. તેમણે ઉમેર્યુ કે, અનુસૂચિત જાતિ સમાજના કોઇ પણ પ્રશ્નો મુશ્કેલીઓ મંત્રીશ્રીઓ, ધારાસભ્યો,પદાધિકારીઓના વગેરેના સહયોગથી સરકાર સુધી પહોચાડશો તો તેના યોગ્ય ઉકેલ માટે સરકાર પૂરતા પ્રયત્નો કરશે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે અનુસૂચિત જાતિ, વંચિતો, જરૂરતમંદ પરિવારો-લોકો માટે જે ઉત્કર્ષ અને કલ્યાણ યોજનાઓ, કોરોનામાં ફ્રી વેક્સિનેશન, વિનામૂલ્યે અનાજ વિતરણ અમલી કર્યા છે.
તે માટે પ્રધાનમંત્રીશ્રીનો પણ રૂણસ્વીકાર સમાજવતી કર્યો હતો. શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આ વર્ષના બજેટમાં ૪૭૦૦ કરોડ રૂપિયા અનુસૂચિત જાતિઓના વિકાસ કામો અને યોજનાઓ માટે ફાળવ્યા છે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અનુસૂચિત જાતિ વર્ગોના યુવાનો પાયલોટ જેવી ઉચ્ચ કારકીર્દીમાં જોડાઇ શકે તે માટે ૪૩ યુવાનોને પાયલોટ તાલીમ સરકારે આપી છે. સરકારની વિવિધ સહાય મેળવવાની વાર્ષિક આવકમર્યાદા પણ અઢી લાખ રૂપિયાથી વધારી રૂપિયા ૬ લાખ સુધીની કરી આપી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદિપભાઇ પરમાર, મહિલા બાળકલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી મનિષાબહેન વકીલે પણ પ્રાસંગિક સંબોધનો કર્યા હતા. તેમણે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજના, દિકરીઓના અભ્યાસમાં ફી માફી વગેરેની વિશદ છણાવટ કરી હતી. આ પ્રસંગે અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રિય અગ્રણી અને પૂર્વ સાંસદ શ્રી શંભુપ્રસાદ ટુંડીયા, શ્રી ભોલાસિંહ, ધારાસભ્યોશ્રી હિતુ કનોડીયા, શ્રી કરશનભાઇ, શ્રી લક્ષ્મણ સાગઠીયા, ગાંધીનગરના મેયર શ્રી હિતેશ મકવાણા અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યુ અભિવાદન કર્યુ હતું.