અનુસૂચિત જાતિ સમાજ દ્વારા GSRTC ડેપો મેનેજર વિરુદ્ધ જંબુસર પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું
(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર એસટી ડેપોમાં ફરજ બજાવતા મહિલા કંડકટર બની માનસિક જાતિવાદ અત્યાચારનો ભોગ જેને લઈ અનુસુચિત જાતિ સમાજના અગ્રણીઓ હોદ્દેદારો મહિલા કંડક્ટરની વહારે આવી જંબુસર ડેપો મેનેજર વહીવટી સ્ટાફ વિરુદ્ધ પ્રાંત અધિકારી એ કે કલસરિયાને આવેદનપત્ર આપી કસુરવારો સામે કાયદેસરનાં પગલાં ભરવા માંગ કરી હતી.
જંબુસર એસટી ડેપો અનેક વખત ચર્ચાના ચકડોળે ચડતો હોય છે.સરકારની મહિલા સશક્તિકરણ નારી વાદની વાતો ફક્ત કાગળ પર હોય તેમ ભાસી રહ્યું છે.જંબુસર એસટી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા વર્ષાબેન કાળુભાઈ પરમાર અને કોઈપણ વાંક ગુના વગર કિન્નાખોરી રાખી સસ્પેન્ડ કરવાનો હુકમ થતાં સમાજના અગ્રણીઓ હોદ્દેદારો વર્ષાબહેનની વહારે આવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્ર છપ્પન છત્રીસ બાણું ગામ સમાજના આગેવાનો દ્વારા અપાયુ તેમાં જણાવ્યું હતું કે જંબુસર એસટી ડેપોનો વહીવટ દિન પ્રતિદિન કથળતો જઈ રહ્યો છે.વહીવટમાં એક એ ટી આઈ સિરાજભાઈ કાજીબુ બાકીનો વહીવટ ડ્રાયવર કંડકટરો રફીકભાઈ રાજુભાઈ રમેશભાઈ જિગરભાઈ દ્વારા કરવામાં આવે છે.
કર્મચારીઓ દ્વારા કોમવાદ જાતિવાદ કરી પછાત જાતિના કર્મચારીઓને ટાર્ગેટ બનાવાય છે.લોકવાયકા મુજબ હાલના ડેપો મેનેજર ઉપર કોઈ વ્યક્તિએ અગાઉ એટ્રોસિટીનો કેસ કરવામાં આવ્યો ત્યારથી પછાત જાતિઓ પ્રત્યે જાતિવાદી માનસિકતા બંધાઈ જવાથી ડેપોમાં કામ કરતા કર્મચારીઓના નાનામાં નાના ગુના શોધી માનસિક ત્રાસ અપાય છે
અને વહીવટકર્તાઓ પણ માનસિક ત્રાસ આપે છે.જંબુસર એસટી ડેપોમાં ફરજ બજાવતી અનુસૂચિત જાતિની મહિલા કંડક્ટર પરમાર વર્ષાબેન કાળુભાઈ ભોગ બનવા પામ્યા છે.સદર મહિલા કંડકટર આકસ્મિક સંજાેગોને લઈ માત્ર એક દિવસ રજાની જરૂરિયાત ઊભી થતાં આગલા દિવસે રજાનો રિપોર્ટ આપી રજા ઉપર ગયા હતા.
રિપોર્ટ્સની અવગણના કરી તેમના ઉપર મનસ્વીપણે ગેરહાજર રહેવાનો દોષ મૂકી ફરજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.રજા બાબતના ગુનામાં કેટલાક કર્મચારીઓને સજા કરવામાં આવી છે તેની તપાસ કરવામાં આવે ડેપો મેનેજર એને તેમના વહિવટકર્તા આગેવાનોએ તેમની જાતિવાદી કોમવાદી માનસિકતાને લઈને
આ અનુસુચિત જાતિના મહિલા કંડક્ટર કર્મચારી પ્રત્યે અસ્પૃશ્યતા રાખી ખોટી રીતે માનસિક ત્રાસ આપેલ હોઈ કસૂરવારો સામે કાયદાકીય પગલા ભરવા અને સસ્પેન્ડ કરવાનો હુકમ રદ કરી બા ઈજ્જત તેઓને ફરજ ઉપર લેવા માંગ કરી છે.આવેદનપત્ર આપવા બાણું ગામ વણકર સમાજ ઉપપ્રમુખ બાલુભાઇ પરમાર સહિત હોદ્દેદારો સમાજ અગ્રણીઓ કાર્યકરો હાજર રહ્યા હતા.