અનેક ખેલાડીઓ ફેરવેલ મેચથી વંચિત રહી ગયા
નવી દિલ્લી: એક ક્રિકેટરને રાષ્ટ્રીય ટીમમાં જગ્યા મેળવવા માટે આકરો અભ્યાસ અને સંઘર્ષ કરવો પડે છે. લાંબા સમય સુધી પોતાના દેશ માટે શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડી ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી લે છે. ફેન્સનું પણ સપનું હોય છે કે તે પોતાના પસંદગીના ખેલાડીઓને છેલ્લી વાર મેદાન પર રમતા જુએ અને તેમને શાનદાર વિદાય આપે. પરંતુ અનેક વખત એવા પ્રસંગ આવ્યા છે, જ્યારે દિગ્ગજ ખેલાડી આ સન્માનથી વંચિત રહી ગયા. જાેકે કોઈ ખેલાડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી વિદાય માટે કોઈ ખાસ માપદંડ બન્યા નથી. કેવિન પીટરસને ઈંગ્લેન્ડ માટે ૧૦૪ ટેસ્ટ, ૧૩૬ વન-ડે અને ૩૭ ટી-૨૦ મેચ રમી હતી. પીટરસને ટેસ્ટમાં ૮૧૮૧ રન બનાવ્યા.
જ્યારે વન-ડેમાં ૪૪૪૦ રન અને ટી-૨૦ મેચમાં ૧૧૭૬ રન બનાવ્યા. જમણા હાથનો આ બેટ્સમેન ઈંગ્લેન્ડ માટે ટેસ્ટમાં છઠ્ઠો સૌથી વધારે રન બનાવનાર ખેલાડી છે. ૨૦૧૩-૧૪માં ઈંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયા સામે ૫-૦થી કારમા પરાજયનો સામનો કરવો પડ્યો. આ હાર ટીમની નિરાશાનું સૌથી મોટું કારણ બની. ૫ ટેસ્ટ મેચમાં ૨૯૪ રન બનાવવા છતાં પીટરસન પસંદગીકારોના નિશાને આવી ગયો. પીટરસનને તેના પછી એકપણ મેચમાં રમવાની તક મળી નહીં. અને તેણે માર્ચ ૨૦૧૮માં નિવૃતિ જાહેર કરી દીધી. કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની ભારતના સર્વશ્રેષ્ઠ કેપ્ટનમાંથી એક છે. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં ભારતને ત્રણ આઈસીસી ટાઈટલ અપાવ્યા. તેણે ડિસેમ્બર ૨૦૧૪માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું.
પરંતુ તે વન-ડે અને ટી-૨૦માં ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ રહ્યો. તેણે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્લ્ડકપ ૨૦૧૯માં રમી હતી. ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ મહેન્દ્ર સિંહ ધોનીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. ધોનીએ ૩૫૦ વન-ડે, ૯૮ ટી-૨૦ ઈન્ટરનેશનલ અને ૯૦ ટેસ્ટ મેચ રમીને ૧૭,૨૬૬ રન બનાવ્યા. આ દરમિયાન તેણે ૧૦૮ અર્ધસદી અને ૧૬ સદી ફટકારી. ધોની સૌથી સફળ ભારતીય વિકેટકીપર પણ છે. તેણે ટેસ્ટમાં ૨૯૪, વન-ડેમાં ૪૪૪ અને ટી-૨૦માં ૯૧ શિકાર પોતાના નામે કર્યા છે. મિસ્ટર ૩૬૦ના નામથી જાણીતા એબી ડિવિલિયર્સે ૨૦૧૮માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. તેની નિવૃતિની જાહેરાતથી આખું ક્રિકેટ જગત આઘાતમાં સરી પડ્યું હતું. છેલ્લા દિવસોમાં ડિવિલિયર્સની વાપસીને લઈને ચર્ચાઓનું બજાર ગરમ થયું હતું. પરંતુ ક્રિકેટ સાઉથ આફ્રિકાએ જાહેરાત કરી કે ડિવિલિયર્સ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરવાનો નથી.
ડિવિલિયર્સનું નામ વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી અર્ધ સદી (૧૬ બોલમાં) અને સદી (૩૧ બોલ)નો રેકોર્ડ છે. ડિવિલિયર્સે સાઉથ આફ્રિકા માટે ૧૧૪ ટેસ્ટ મેચમાં ૫૦.૬૬ની એવરેજથી ૮૭૬૫ રન બનાવ્યા. જેમાં ૨૨ સદી અને ૪૬ અર્ધસદીનો સમાવેશ થાય છે. તેણે ૨૨૮ વનડે મેચમાં ૫૩.૫૦ની એવરેજથી ૯૫૭૭ રન બનાવ્યા. વન-ડેમાં તેના નામે ૨૫ સદી અને ૫૩ અર્ધસદીનો સમાવેશ થાય છે. ડિવિલિયર્સે ૭૮ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં પણ પોતાની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. ટી-૨૦ ઈન્ટરનેશનલમાં તેણે ૨૬.૧૨ની એવરેજથી ૧૬૭૨ રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી ૧૦ અર્ધસદી નીકળી. યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટના શાનદાર ઓલરાઉન્ડરમાંથી એક છે. યુવરાજ ભારતની બે વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ રહ્યો. ડાબા હાથના આ બેટ્સમેને બંને ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ટાઈટલ અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું.