અનેક ગુજરાતી ફિલ્મો તૈયાર, થિયેટર્સમાં દર્શકોનો અભાવ
મુંબઈ, કોરોના વાયરસની આ મહામારીમાં લાંબા સમય સુધી સિનેમાહૉલ બંધ રહેતા ફિલ્મો બનાવવાનું સપનું જાેતા ગુજરાતી ફિલ્મમેકર્સને નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે. રોકાણકારો કે જેઓ કોરોના પહેલા ગુજરાતી ફિલ્મોને લઈને ઉત્સુક હતા તેઓ પોતાના વ્યવસાયમાં નુકસાનનો સામનો કરી રહ્યા છે અને હવે થિયેટર્સ ખુલ્યા છતાં પણ દર્શકોનો મોળો પ્રતિસાદ જાેતાં નિરાશ થયા છે.
ફિલ્મમેકર્સ અને પ્રોડ્યુસર્સના જણાવ્યા મુજબ, ઘણી ગુજરાતી ફિલ્મો બનીને તૈયાર હતી પણ કોરોનાના પ્રતિબંધોના કારણે રિલીઝ થઈ શકી નહીં. જેના કારણે ઘણાં રોકાણકારો દેવાના ચક્રમાં ફસાઈ ગયા છે. એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ના ડિરેક્ટર અભિષેક શાહ જણાવે છે કે કોરોનાના કારણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઢોલિવૂડના ફિલ્મમેકર્સમાં ડર અને નિરાશાનો માહોલ ઊભો થયો છે. ગુજરાતી બિઝનેસમેન લાંબા સમયથી ફિલ્મોમાં રુચિ દર્શાવી રહ્યા છે અને તેના કારણે છેલ્લા દાયકામાં ઢોલિવૂડમાં મોટું પરિવર્તન આવ્યું છે.
આ સમયગાળામાં ટાઈલ્સ, માર્બલ્સ, રિયલ એસ્ટેટ અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા રોકાણકારોએ ફિલ્મોમાં રોકણ કર્યું. પણ આજે એવી સ્થિતિ છે કે હવે તેઓ પોતાના બિઝનેસમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં પ્રયત્નશીલ છે. કોરોના પહેલા દર મહિને ફિલ્મોમાં રોકાણ બાબતે ૧૫થી ૨૦ લોકો પૂછવા આવતા હતા જે આજે ઘટીને ૨ લોકો સુધી સીમિત થઈ ગયા છે. અભિષેક શાહે વધુ વાત કરતા જણાવ્યું કે રોકાણકારો હવે ફિલ્મોથી બીજી બાજુ ઓટીટી પ્લેટફોર્મ્સ એટલે કે વેબ સિરીઝો તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
ગુજરાતી ફિલ્મોની સ્પર્ધા હંમેશાં બોલિવૂડ સાથે રહી છે કારણકે ગુજરાતી દર્શકો ટીવી અને થિયેટર્સમાં હિન્દી ફિલ્મો જાેતા આવ્યા છે. હોલિવૂડ ફિલ્મો પણ હિન્દીમાં ડબ્બ થાય છે અને હવે તે ઓટીટી પ્લેટફોર્મ્સ પર પણ રિલીઝ થઈ રહી છે. હવે ઓટીટી પ્લેટફોર્મ્સનો જમાનો છે જ્યાં ઘણું સારું કન્ટેન્ટ આવે તે પણ જરૂરી છે.SSS