અનેક રાજયોની વીજ કંપનીઓએ કોલ ઈન્ડિયાને 6777 કરોડ ચૂકવવાના બાકી
મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તમિલનાડુ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની વીજ કંપનીઓએ કોલ ઈન્ડિયાને મોટી રકમ ચૂકવવાની બાકી
(એજન્સી)નવીદિલ્હી, દેશના ૧૬ રાજ્યોમાં વીજળીની અછત છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડની સરકારો કોલસાની સપ્લાય ન કરવાને લઈને કેન્દ્ર સરકારને સતત ઘેરી રહી છે. દરમિયાન, એ વાત સામે આવી છે કે કોલ ઈન્ડિયાનો સૌથી મોટો ડિફોલ્ટર મહારાષ્ટ્ર છે.
કોલ ઈન્ડિયાએ હજારો કરોડની બાકી લેણી રકમ પછી પણ કોલસાનો પુરવઠો બંધ કર્યો નથી. દેશમાં ચાલી રહેલી વીજ કટોકટીથી હાહાકાર મચી ગયો છે. મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી અને રાજસ્થાન જેવા રાજ્યો કેન્દ્ર સરકાર પર કોલસાની યોગ્ય સપ્લાય ન કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
દરમિયાન, આ રાજ્યો પર કોલ ઈન્ડિયાની બાકી રકમ સામે આવી છે. કોલ ઈન્ડિયા લિમિટેડ અનુસાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તમિલનાડુ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની વીજ કંપનીઓએ કોલ ઈન્ડિયા લિમિટેડને રૂ. ૬,૪૭૭.૫ કરોડ દેવાના બાકી છે.
કોલ ઈન્ડિયાની સૌથી મોટી ડિફોલ્ટર મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની છે. કોલ ઈન્ડિયાએ આ કંપની પર રૂ. ૨,૬૦૮.૦૭ કરોડનું લેણું લેવું છે. એ જ રીતે પશ્ચિમ બંગાળ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ પર રૂ. ૧,૦૬૬.૪૦ કરોડ બાકી છે. કોલ ઈન્ડિયાના સૂત્રોનું કહેવું છે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળની પાવર જનરેશન કંપનીઓ પર લેણું ઘણું વધારે છે,
પરંતુ કોલ ઈન્ડિયા લિમિટેડે ક્યારેય આ રાજ્યોને સપ્લાય અટકાવ્યો નથી અને તેમને પૂરતા પ્રમાણમાં સપ્લાય કર્યો છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શનિવારે ફરી કોલસાની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. દિલ્હી સરકારે પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછતને કારણે સપ્લાયમાં વિક્ષેપની ચેતવણી આપી છે. કેજરીવાલે કહ્યું- અમે દિલ્હીમાં પાવર સપ્લાયનું સંચાલન કરી રહ્યા છીએ. કોલસાની અછતને કારણે આ સમસ્યા આખા દેશની સામે છે.