Western Times News

Gujarati News

અનેક વિનંતીઓ છતાં સિવિલમાં કોઈ સગાવ્હાલા મૃતદેહ લેવા ન આવ્યા

સિવીલ તંત્રની ‘પોઝીટીવીટી’ પરિવારજનો હોસ્પિટલમાં હતા-  સિવીલના સેવક યોધ્ધાઓએ અંત્યેષ્ઠી કરી

કોરોના દર્દીઓની સારવાર અમદાવાદની સિવીલ હોસ્પિટલ સહિત શહેરની અને રાજ્યની અનેક હોસ્પિટલોમાં થાય છે. જો કે અન્યબીમારી ધરાવતા કેટલાક  દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન પણ થાય છે, તે પરિવારજનોની સાથે સાથે ચોક્કસપણે પ્રશાસન માટે પણ  દુખદાયક હોય છે. કેટલાક કિસ્સામાં અવસાન પામેલા દર્દીનો મૃતદેહ લઈ જવાની તસ્દી પણ કેટલાક પરિવારો કે સગાવ્હાલા  લેતા નથી. તેવા કિસ્સામાં હોસ્પિટલ તંત્ર પુરી સંવેદના સાથે જે તે દર્દીની અંત્યેષ્ઠી કરે છે.  સિવીલ પરિસરની કીડની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આવા જ એક દર્દી વાડીલાલ ગાંધીની અંત્યેષ્ઠી સિવીલના સેવક યોધ્ધાઓએ કરી માનવતાની મિશાલ પુરી પાડી છે.

વાડીલાલ ગાંધી નામની વ્યક્તિનું તા-૧૯/૦૫/૨૦૨૦ના રોજ સારવાર દરમ્યાન મૃત્યુ થયું… ૮૭ વર્ષીય સ્વ. વાડીલાલ ગાંધીના પરિવારજનોનો  સંપર્ક થઈ શકતો નહતો…પરિવારજનો ન આવે તો મૃતદેહ કોને આપવો…? તેની મુઝવણ હતી..મોડી રાત્રે તેમના દૂરના સગા, સોસાયટીના સભ્યો અને તેમના ભાણીયા આવ્યા અને કહેવા લાગ્યા કે ‘જો દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવે તો જ મૃતદેહ લઈ જઈએ…’તેવી શરત મૂકી…

હોસ્પિટલના નિયામકશ્રી ડો. વિનીત મિશ્રાએ અન્ય એક નંબર મેળવી સંપર્ક કર્યો તો ખબર પડી કે તે  નંબર વાડીલાલ ગાંધીના દિકરા શ્રી કીરીટભાઈ ગાંધીનો હતો….તેમને વાડીભાઈના અવસાનના સમાચાર આપી મૃતદેહ લઈ જવા જણાવ્યું તો કીરીટભાઈએ કહ્યું કે, ‘હું અને મારો આખો પરિવાર કોરોના પોઝીટીવ તરીકે ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં દાખલ છીએ…મારા પિતાના અવસાનના સમાચાર તો મળ્યા છે, પણ અમે લાચાર છીએ…હું પણ હોસ્પિટલમાં છુ એટલે પિતાના અંતિમ સંસ્કાર કરી શકુ તેમ નથી…’

તંત્રએ શ્રી કીરીટભાઈને કહ્યું કે જો કોઈ આવી શકે તેમ ન હોય અને તમે મંજૂરી આપો તો અમે તેમની અંત્યેષ્ઠી કરીએ….પરિવારની લેખિત મંજૂરી મેળવાઈ અને હોસ્પિટલના ડ્રાઈવર શ્રી પ્રવિણસિંહ દરબાર, પરેશભાઈ સોલંકી, અન્ય ત્રણ સેવકોએ ભેગા થઈ પરિવારજનો બની મૃતદેહને સ્મશાને લઈ ગયા…સ્મશાનમાંથી જવાબ મળ્યો કે, ‘મૃતદેહ નનામી પર બાંધેલો હોય તો જ ઈલેક્ટ્રીક મશીનમાં અંતિમક્રિયા કરી શકાશે…’તરત જ નનામીનો તમામ સામાન હોસ્પિટલ દ્વારા ખરીદવામાં આવ્યો…અને  સ્વ. વાડીલાલ ગાંધીની અંત્યેષ્ઠી કરાઈ…. એટલું જ નહી પરંતુ તેમના અસ્થિ ફૂલ પણ મેળવીને ચાણોદ ખાતે મોકલવા માટે કુંભમાં જમા કરાવ્યા….”

આમ, હોસ્પિટલના સેવક યોધ્ધાઓએ પરિવાર બની સ્વ. વાડીલાલ ગાંધીની અંત્યેષ્ઠી કરી….અને સ્વ. વાડીલાલ ગાંધીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો…


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.