કારખાનેદારે ગળામાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો
લૉકડાઉનમાં કારખાનું ઠપ્પ થઇ જતાં ભીંસમાં કારખાનેદારે આવું પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે
રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના દેવપરા શાક માર્કેટ પાસે રહેતાં કારખાનેદાર વિરેન્દ્રભાઇ રમેશભાઇ પરમારે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. લૉકડાઉનમાં કારખાનું ઠપ્પ થઇ જતાં આર્થિક ભીંસમાં કારખાનેદારે આવું પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
વિરેન્દ્રભાઇએ ઘરના ઉપરના માળે આ પગલું ભરી લીધું હતું. તેમના પત્ની જ્યારે ઉપરના માળે ગયા હતા ત્યારે દરવાજાે અંદરથી બંધ હતો. લાંબા સમય સુધી દરવાજાે ન ખુલતા દરવાજાે તોડવામાં આવ્યો હતો. દરવાજાે ખોલતા જાેયું તો પતિની લાશ લટકી રહી હતી. પોલીસ તપાસમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી છે.
જેમાં ચોંકવાનારી વિગતો સામે આવી છે. લૉકડાઉનને એક વર્ષ પુરૂ થઇ ગયું છે પણ મારી જિંદગી હજી ત્યાં રૂકી ગઇ છે. આ લૉકડાઉનમાં મારું કારખાનું જે ઓમ ફર્નિચરથી ચાલતું હતું તે બંધ થઇ ગયું છે. આ લૉકડાઉનમાં જેટલા માણસો કોરોનામાં નથી મર્યા એટલા માણસો સુસાઇડ કરીને મરે છે. સરકાર સાચા આંકડા સામે લાવતી નથી.
લોનના હપ્તા ભરવાના, ગાડીના હપ્તા ભરવાના, ક્રેડિટ કાર્ડના પૈસા ભરવાના, ધંધો ચાલતો નથી તો કયાંથી પૈસા ભરવા? ઘરમાં આપણું કરવું કે આ બધા હપ્તા ભરવા? એક મહિનો છોકરો નિશાળે નથી ગયો, આખા વર્ષની ફી ભરવાની. હું અત્યારે બહુ આર્થિકભીંસમાં આવી ગયો છું. મારી ઘરવાળીને પણ કામે જવું પડે છે. અત્યાર સુધી મેં જેમ તેમ ચલાવ્યું, હવે મારાથી આ બોજ ઉપડતો નથી. હવે હું થાકી ગયો છું, સહન કરવાનું હતું તેટલું સહન કરી લીધું.
હવે આ બધી તકલીફોની એક જ દવા છે મોત. મોત એક જ એવો રસ્તો છે, જ્યાં તમારી બધી તકલીફ પૂરી થઇ જાય છે. મારે જ્યારે સારુ હતું ત્યારે બધાયને મદદ કરી છે પણ આજે જ્યારે મારે મદદની જરૂર છે ત્યારે મને કોઇ મદદ કરતું નથી. જ્યાં માંગવાના હોય ત્યાં પણ પૈસા માંગી લીધા, પણ ત્યાંથી જરાય મદદ ન આવી.
લૉકડાઉનમાં અમારા પાડોશી સારા છે, જેણે અમને મદદ કરી છે. નહી તો અમારે જીવતે જીવ મરવાનો વારો આવતો. હું કહું છું કે અમારા બધા પાડોશીનું ભગવાન સારુ કરે. સગા સંબંધી કરતાં તો પાડોશી સારા છે. ખૈર જાવા દો, આ બધી વાતોને આવું બધું તો ચાલતું રહેતું હોય છે. મારી આત્મહત્યાની પાછળ કોઇ જવાબદાર નથી.