અન્નપૂર્ણા યોજના શરૂ થાય તેવી શક્યતા
(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના સહિતના અન્ય કારણોસર છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડેલ “અન્નપૂર્ણા યોજના” સંભવતઃ આગામી દિવસોમાં શરૂ થાય તેવી શકયતાઓ છે. ર૦૧૭ના વર્ષમાં શરૂ થયેલી આ યોજનાને કારણે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને માત્ર રૂ.૧૦માં નિયત કરેલા સ્થળ પરથી દાળ-ભાત-શાક-રોટલી મળતા હતા. જેને કારણે કડિયાનાકા પર એકત્રિત થતા સેંકડો શ્રમિકો માટે આ યોજના આશિર્વાદરૂપ હતી.
શ્રમિકો અહીંયાથી પેકીંગમાં બધી ખાદ્યચીજવસ્તુઓ લઈ જતા હતા. બપોરના સમયે જમી લેતા હતા. એકટાઈમ માત્ર રૂ.૧૦માં ભોજન મળતુ હોવાથી સેંકડો શ્રમિકો ખુશ હતા. પરંતુ કોરોનાકાળને લીધે છેલ્લા ત્રણ વર્ષથી આ યોજના બંધ કરી દેવાતા શ્રમિકો રઝળી પડયા છે અત્યારે મંદીના કારણે કામ ઓછુ મળતુ હોવાથી અનેક શ્રમિકો કડિયાનાકા પરથી પરત ફરે છે.
જાે કમસેકમ તેમને રૂ.૧૦માં ખાવાનું મળી જાય તો પણ ઘણુ છે. હજુ પણ કોરોનાકાળની અસર વર્તાઈ રહી છે. કડિયાનાકે એકઠા થતા ઘણા શ્રમિકોને કામ મળતુ નથી તેઓ ઘરે પરત જાય છે અને જેમને કામ મળે છે તે કામ પર જાય છે ખરેખર શ્રમિકોને એક ટંકનું ભોજન મળે તો તેઓના દિવસ ટૂંકા થઈ શકે છે. રૂ.૧૦માં અન્નપૂર્ણા યોજના અંતર્ગત મળતુ ભોજન ગુણવત્તાયુકત હોવાથી તેની માંગ પણ રહેતી હતી.
શ્રમિકો ભોજન પેક કર્યા પછી કામ પર જતા હતા. બીજી તરફ શ્રમિક સંગઠનો સાથે સંકળાયેલા આગેવાનોનો દાવો એવો છે કે રાજય સરકારના કાયદા પ્રમાણે બિલ્ડરની કોઈ પણ યોજના પુરી થાય તો ર ટકા શેષની રકમ ગુજરાત રાજય મકાન બાંધકામ કલ્યાણ બોર્ડમાં જમા કરાવવી પડે છે.
આ બોર્ડમાં લગભગ રૂ.૩પ૦૦ કરોડથી વધારે રકમ જમા હોવાનું કહેવાય છે તેમાંથી આ યોજના માટે બેથી અઢી ટકા ખર્ચ કરવો પડે છે તેથી આ યોજના પુનઃ શરૂ કરવી જાેઈએ જેનાથી અસંગઠિત ક્ષેત્રના સેંકડો કામદારો- શ્રમિકોને તેનો લાભ મળે અને એક ટંકનું ભોજન ટોકન ભાવથી મળી રહે.