અપરા એકાદશીએ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહાપ્રભુને ચંદનના વાઘાનો શણગાર
વૈશાખ માસના કૃષ્ણ પક્ષ ની એકાદશીનું નામ ‘અપરા’ છે. કારણકે તે અપાર ધન દેનારી છે. તે પુણ્ય આપનારી અને પાપને નષ્ટ કરનારી છે. જે મનુષ્ય આ એકાદશી નું વ્રત કરે છે, તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે.”
અપરા એકાદશીનું વ્રત પાપ રૂપી અંધકાર ના નાશ માટે સૂર્ય સમાન છે, તેથી મનુષ્યે અપરા એકાદશી નું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે. અપરા એકાદશીનો દિવસ ભક્તિપૂર્વક રહેવાથી ભગવાનની પ્રાપ્તિ થાય છે.
અપરા એકાદશીના પવિત્રતમ દિવસે ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહાપ્રભુજી, શ્રી હરિકૃષ્ણ મહારાજને ઋતુ અનુસાર ચંદનના મનમોહક વાઘાનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. વિશેષ શ્રૃંગાર સાથેની શ્રીહરિજીની આરતી પણ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.
મહારાજાધિરાજને પરંપરાગત વસ્ત્ર પરિધાનને બદલે ઋતુ અનુસાર શીતલ ઠંડક માટે ચંદન વાઘા સાથેના પરિધાન કરવામાં આવ્યા હતાં. વર્તમાન યુગમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા લોકો પંખો, એરકન્ડીશન્ડ તથા અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો સહારો લેતાં હોય છે જ્યારે મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને ગરમીથી બચવા માટે પૂજનીય પૂજારી સંતો દ્વારા શિતળતાનો અહેસાસ કરાવતાં ચંદન વાઘાનો શ્રૃંગાર કરવામાં આવ્યા હતા.
શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહાપ્રભુ, શ્રી હરિકૃષ્ણ મહારાજના ચંદનના મનમોહક વાઘાના લાઈવ દર્શન તેમજ આરતીનો હજારો ભાવિકો લાભ લઈ ભાવવિભોર બન્યા હતા. આ અનુપમ શણગાર સાથે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના દિવ્ય દર્શનનો લ્હાવો દેશ-વિદેશના અનેક હરિભક્તો તથા ભાવિકોએ ઈન્ટરનેટના માધ્યમથી લીધો હતો.