અપહરણકારોથી ૮ વર્ષના બાળકને પોલીસે છોડાવ્યો
સુરત: સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરાયેલા એક માસૂમ બાળકને ભૂસાવળ આરપીએફની મદદથી સુરત પોલીસે હેમખેમ છોડાવ્યો હતો. આરોપીનો મોબાઈલ ટ્રેસ કરીને સચિન જીઆઈડીસી પોલીસ અપહરણકર્તાઓનું પગેરું શોધવામાં સફળ રહી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે સચિન જીઆઈડીસી પોલીસે જણાવ્યું હતું કે, બાળક આઠમી માર્ચના રોજ ઘર બહાર રમતાં રમતાં ગુમ થયો હતો. જે બાદમાં પરિવારે બાળકની શોધખોળ શરૂ કરી હતી. જાેકે, તપાસ દરમિયાન બાળકની કોઈ ભાળ ન મળતા પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ આપી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ બાળકને કોઈ ઈસમ તેના ઘરે લઈ ગયો હતો.
એટલું જ નહીં આ અજાણ્યો ઈસમ ૧૦ દિવસથી બાળકને ચોકલેટ આપીને ધીમે ધીમે પોતાના વશમાં કરી રહ્યો હતો. જે બાદમાં આરોપીનું બાળકનું અપહરણ કરીને ભુસાવલ (મહારાષ્ટ્ર) તરફ જવા નીકળી ગયો હતો. જે બાદમાં પોલીસે આરોપીનો મોબાઇલ નંબર ટ્રેસિંગ પર મૂકી પગેરું શોધવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ પોલીસે ભુસાવલ રેલવે સ્ટેશન પર આરપીએફને જાણ કરી બાળકનો ફોટો આપી આરોપીઓને પકડવા અને બાળકને છોડાવવા મદદ માગી હતી. જેને લઈ ભુસાવલ રેલવે સ્ટેશનના આરપીએફ જવાનોએ ગણતરીના કલાકોમાં રેલવે સ્ટેશન પર ગોઠવાઈ ગયા હતાં. આરોપી જેવો બાળક સાથે ટ્રેનમાંથી નીચે ઉતર્યો કે આરપીએફએ તેને ઝડપી લીધો હતો. સુરત પોલીસે આપેલા માર્ગદર્શન મુજબ આરપીએફ ટ્રેનમાંથી ઉતરતા લોકો પર નજર રાખી રહી હતી.
થોડા જ અંતરમાં ત્રણ અજાણ્યા ઈસમો બાળકને લઈ બહાર નીકળવાનો પ્રયાસ કરતા આરપીએફના હાથે ઝડપાઈ ગયા હતાં. બાળકએ પણ આ અંકલ સાથે આવ્યો છું કહેતા આરોપીનો ચહેરો ખુલ્લો પડી ગયો હતો. જે બાદમાં તમામ આરોપીઓ અને બાળકને લઈ ભુસાવલ આરપીએફ સુરત આવી હતી. આ મામલે સચિન જીઆઈડીસી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ શા માટે બાળકનું અપહરણ કર્યું હતું તે વાતનો ખુલાસો પોલીસ તપાસમાં થશે.