અફઘાનમાં કોઈ ભવિષ્ય નથી, ડરીને જીવીએ છે: શીખોની વેદના

નવી દિલ્હી, અફઘાનિસ્તાનમાં કાબુલમાં ગુરૂદ્વારા પર થયેલા હુમલા બાદ હવે દેશમાં રહેતા થોડા ઘણા શીખ પણ અફગાનિસ્તાન છોડવા માંગે છે. ગુરુદ્વારા પર થયેલા હુમલામાં ઘાયલ એક શીખે કહ્યુ હતુ કે, અમારી તમામ આશાઓ મરી પરવારી છે. અહીંયા અમારૂ કોઈ ભવિષ્ય નથી અને અમે અહીંયા ડરી ડરીને જીવી રહ્યા છે.
ઓગસ્ટમાં તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા કબ્જે કરી તે પછી ઘણા શીખો આ ગુરૂદ્વારાની આસપાસ જ રહેવા આવી ગયા હતા. જાેકે ગુરૂદ્વારાઓ પર પહેલા પણ હુમલા થઈ ચુકયા છે. ૨૦૨૦માં કાબુલમાં એક ગુરુદ્વારામાં આતંકવાદીઓએ કરેલા ફાયરિંગમાં ૨૫ લોકોના મોત થયા હતા. આ જ રીતે જલાલાબાદમાં થયેલા એક આત્મઘાતી હુમલામાં ૧૯ લોકો માર્યા ગયા હતા અને તેમાંના મોટાભાગના શીખ હતા.
કાબુલના ગુરૂદ્વારા પર તાજેતરમાં થયેલા હુમલાની જેમ અગાઉના બે હુમલાની જવાબદારી પણ ઈસ્લામિક સ્ટેટે લીધી હતી.
૧૯૭૦માં આ દેશમાં પાંચ લાખ શીખો રહેતા હતા અને હવે સંખ્યા ઘટીને માત્ર ૨૦૦ જ રહી છે. તેમાં પણ ૧૦૦ જેટલા હિન્દુ અને શીખોને તો ગુરૂદ્વારા પરના તાજેતરના હુમલા બાદ ભારત સરકારે ઈ વિઝા આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઈસ્લામિક સ્ટેટે હુમલા બાદ કહ્યુ હતુ કે, નુપુર શર્માએ કરેલી મહોમંદ પયંગબર પરની ટિપ્પણીનો બદલો લેવા માટે અમે આ હુમલો કર્યો હતો.SS3KP